હતો. એને શિરે સાપના ભારા હતા. એ કોઈ હજુ ઉઘરાણીએ ફરકતું નહોતું. ઉઘરાણીનો દેકારો બોલાવતા તો શાંતિદાસ શેઠના સંધી સરીખા મહેતાજીઓ આંટા ઉપર આંટા ખાઈ રહ્યા હતા.
ડિસેમ્બરની તા ૨૩: બપોરના અગિયાર -
રંગૂનનાં રાંધ્યાં ધાન રઝળી પડ્યાં. આકાશના કાકીડા હોય તેવા અભેદરંગી જાપાની વિમાનોએ પહેલી પ્રાછટ દીધી અને પત્રિકાઓ વરસાવી : "ખસી જજો, બાર બાર ગાઉ વેગળા ખસી જજો.'
પછી તો પરોઢે, પરોઢે ઊગતા સૂર્યને અને વિસર્જન થતી રાતને જાપાને આગની અંજલીઓ આપવા માંડી, કાળનાં કંકુડાં વેર્યા.
"ખબરદાર ! માલ ફેરવતા ના!" સરકારી રખેવાળોએ પ્રજાના ભર્યા ભંડારો પર તાળાં લગાવ્યાં.
"સ્ટીમરો ક્યાં છે? અરે જલદી હિંદની આગબોટો લાવો. તો ભાગતાં થઈએ." ભારતવાસીઓએ ચીસો પાડી.
આગબોટોમાં જગ્યા ઓછી થઈ: ગોરાં હતાં તે સૌ પહેલાં બચવા ઊમટ્યાં.
"તો વિમાનો લાવો ! માગો તેટલા નાણાં દઈએ, શાંતિદાસ શેઠના બાળકોને જોખીને સુવર્ણ દઈએ. એકાદું વિમાન આપો."
"વિમાનની ટાંચપ છે, શેઠ ! વારો આવવા દો."
પહેલી જ વાર શાંતિદાસ શેઠને બ્રહ્મજ્ઞાન થયું કે કોઈક વાર સોનાં પણ કાર્યસાધક બનતાં નથી.
જાન્યુઆરી માસ - અને મોલમીનનો ધ્વંસ બોલ્યો. નિમ્નતર બ્રહ્મદેશનું જળભરપૂર ચાવલ કેન્દ્ર અને ગુજરાતી બાબુઓએ બાવડાંને જોરે બાંધેલું, સમૃદ્ધીએ છલકાવેલું ઇરાવદીનું અજોડ પઢાઉ-પુષ્પ મોલમીન, હતું - ન હતું થયું.
ને ત્યાંથી રઝળેલાં, આગબોટો વગર રહી ગયેલાં હજારો હિજરતીઓનો સંઘ ચાલ્યો આવતો હતો પીમના અને માંડલે તરફ.
રતુભાઈ, ડૉ નૌતમ અને હેમકુંવર ત્રણેએ ગુજરાતીઓને ઢંઢોળ્યા.