પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


સ્થાને સ્થાને ગુજરાતીઓએ આ અનાથોને આશરા, ભોજન અને આગળ વધવાની ખરચી પૂરી પાડવા માંડી. ગુજતાતીઓ, બંગાળીઓ, પંજાબીઓ, યુક્ત પ્રાંતના ગવલી ભૈયાઓ, ચેટ્ટીઓ - હિંદુ કે મુસ્લિમ સર્વ ભારતવાસીઓ સ્ટેશને પ્રસાદી તેમ જ સહાય પ્રાપ્ત કરીને આગળ વધ્યાં ઓતરાદી દિશાએ, આથમણા જળ-કેડા ને ગગન કેડા તો રૂંધાઈ ગયા હતા. રંગૂનના બારામાં ખદબદતી એ માનવજાત હતી કે જીવાત? - જરા દૂરથી જોઈએ તો કહેવું કઠિન પડે.

ને રંગૂન-માંડલેની આ હજુયે ચાલુ રહેલી રેલવે લાઇન પર તે પહી એક બિભીષણ દૃશ્ય નજરે પડ્યું.

કોઈ હાથ છેદાયેલી, તો કોઈ નાક-કાન વગરની, તો કોઈ પગ જ હારી બેઠેલી એ કોણ ઓરતો આવી રહી હતી?

મોલમીનથી નાઠેલી ચીની સ્ત્રીઓ, તેમણે દૃશ્ય જગતમાં જે ગુમાવ્યું હતું તે તો દેખાતું હતું, પણ અદીઠી રહી ગઈ તેમનાં અગોચર આતમ જગતની જફાઓ.

તેમનાં શિયળ રોળાયાં હતાં

રસ્તે દુકાનો, હોટલો, નારી-દેહો, જે કાંઈ હાથ આવતું તે લૂંટાતું હતું. માંડ માંડ મોકો મળ્યો હતો.

*

"હઠ છોડી દ્યો ડૉક્ટર; તમારે ને હેમકુંવર બહેને ઊપડી જવું જ જોઈએ."

"તમને સૌને મૂકીને?"

"હા. મૂકીને. તમારે માટે નહીં, હેમકુંવરબહેન માટે. મેં મારી નજરે જોયા છે ચિનાઈ સ્ત્રીઓના હાલહવાલ. ને હું કલ્પના કરતાંય કંપું છું. હેમકુંવરબહેનને નવમો માસ ચડી રહ્યો છે, એને કંઈક થાય તો આપણે ક્યાં જઈશું!"

"પણ તમે?"

"અમને જમડોય નથી ખાવાનો. અમે ગમે તેમ કરીને પહોંચશું.