પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેળ લેતો આ અગમ્ય સહકાર એ દેશનો સદાનો સંસ્કાર બની જતો.

ઘરઘરને આંગણે પાણીના દેગડા ગોઠવાયા છે. મ્યુનિસિપાલિટીની મગદૂર નહોતી કે ચૈત્ર માસની પાણીની તાણ વખતે પણ આ પર્વણીને માટે પાણી પૂરું પાડવાની ના પાડી શકે. ઘરની અંદરના નળોને બહારની દેગો સાથે નળીઓ જોડી દીધી છે. બાલદીઓ ભરી ભરીને બ્રહ્મી રમણીઓ વાટ જોતી ઊભી છે. પગનાં કાંડાંથી કમ્મર લગી લપેટેલી એક પણ કરચલી વગરની તસોતસ રંગબેરંગી રેશમી લુંગીઓ (આપણી કાઠિયાણી-આહીરાણીઓ પહેરે છે તે જીમી જેવી) તેમના સાગના સોટા સરખા દેહને દીપાવી રહી છે. મલમલની એંજી (આંગડી) નીચે તેમની સપાટ છાતીઓ ધબકે છે. લમણા અને કપાળ પરથી ઊંંચા ઓળેલા વાળના સઢોંઉ (અંબોડા)ને તેમણે માથાની ટોચ પર છત્રી કે ટોપી આકારે વાળી લીધેલ છે. અને તેના ઉપર ગૂંથેલ છે નાનાં પીળાં પઢાઉનાં પુષ્પો. એવી છટા બ્રહ્મી સ્ત્રીઓ સિવાય કોઈએ કેળવી જાણી નથી. કોઈના હાથમાં કેળનાં પાંદમાંથી વાળેલી લાંબી લાંબી ચિરૂટો સળગે છે.

ઘેરૈયાનાં વૃંદો પર વૃંદો વહ્યાં આવે છે અને હાકલા પાડે છે -

"નંગો પ્યેબા ! નંગો પ્યેબા!" "મને પાણી નાખો, મને પાણી છાંટો !"

છેટે છેટેથી પાણીની ઝાલકોના પછડાટ સંભળાય છે, અને સામેથી આવતા દેખાય છે - ઘર ઘર જેવડા વિરાટ ઢાંઉ (મોરલા) બબે માળની આગબોટો, અને એવા તો કંઈ કંઈ આકારો.

મોટરો અને મોટરના ખટારાઓ માથે કરેલી આ લાકડકામની કરામતો હતી, અને અંદર ઊભા હતા યુવાન બ્રહ્મી પુરુષો. ઢાંઉ અને આગબોટોની અંદરથી તંતુવાદ્યોનું સમૂહ સંગીત વાગતું હતું. મર્દો ભરપૂર કંઠે ગાતા હતા - ઇન્દ્રનાં કીર્તિગીતો. તેમના લેબાસ એક જ સરખા ગણવેશી હતા. ગલીએ ગલીએ અને ઘેરેઘેરેથી છંટાતી ચોખ્ખાં રંગવિહોણાં પાણીની ઝાલકોએ તેમને તરબોળ કર્યા હતા. કોરાં હતાં