પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાણવાની કપ્તાનને પળ પણ નહોતી. ત્રણેક હજાર ઉતારુઓ પર એક જ બૉમ્બ પડતાં કેવી હોનારત થાય તે કલ્પનાતીત હતું.

આગબોટને કાંઠા સાથે બાંધતું સ્થૂળ દોરડું તો ઊપડી ગયું, પણ બીજું એક દોરડું સરતી જતી આગબોટની ને કિનારાની વચ્ચે રચાયું. 'ઓ-ઓ-ઓ-ઓ-ઓ-' બોટના તૂતક પરથી હજાર ચિચિયારીઓના વળ દેવાયા.

'હો-હો-હો-હો-' કાંઠેથી સેંકડો હાહાકારો સામે જઈને સંધાયા.

પતિઓ ચડી ગયા હતા ને પત્નીઓ પાછળ રહી હતી. માબાપ સામાન મૂકવા ઉપર પહોંચ્યા હતાં ને નાનાં નિરાધાર બાળકો પાછળ રહી જઈ કિનારાને આંસુધારે ભીંજવતાં હતાં.

અસહાય દશાની સામસામી દારુણ ચીસો પડતી હતી, ને દરિયો જાણે કે એ આક્રંદ ન સહેવાતાં પછાડા મારતો હતો.

સાંભળ્યું જે સહેવાતું નથી, તે નજરે નિહાળ્યું અને જાતે અનુભવ્યું કેટલું કારમું હશે.

છે કોઈ આવી ભેદકતા વિશ્વના ઇતિહાસમાં?

હા, હા, - ગોરા યુરોપવાસીઓ હબસીઓને ગુલામો પકડતા, ને પછી મા કોઈકને ભાગે જતી, બાળક બીજાને પનારે પડતું, પતિ અને પત્નીને જુદા જુદા માલિકો ખરીદી ખરીદી કોરડાથી બરડા ફાડતા લઈ જતા, તેવી વિચ્છેદવેળાએ આવા જ ચિત્કાર ઊઠ્યા હશે શું આફ્રિકાના કિનારાઓ ઉપર?

"ઉપર આવો, ડૅડી ! દોડ્યા આવો!" મોટરમાંથી દોડ મારીને સ્ટીમર પર ચડી ગયેલી પેલી ગોરી યુવતી ડેક પરથી પિતાને વ્યર્થ બોલાવી રહી હતી. એની સાથેનો પુરુષ અને બે બાળકો નીચે જેટી પર ઊભાં ઊભાં આગબોટ અને પૃથ્વી વચ્ચે પહોળાતું જતું ઇરાવદીની ખાડીનું ડહોળાયેલું અંતર નિહાળી રહ્યાં. તેમને પાછાં લઈને એજ ડૉ. નૌતમની મોટર બહાર નીકળી ત્યારે ડૉ. નૌતમનનો કાફલો હજુ ફૂટપાથ પર સૂનમૂન ઊભો હતો. રતુભાઈ વાહન મેળવવા દોડધામ કરતા હતા.