પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પેલી બોટમાં બેસી ગયેલી બાઈ એની દીકરી હતી એ જાણ્યા પછી ડૉ. નૌતમે કહ્યું: "તમારી પુત્રીને એક વાર મેં કોચવી હતી. એને મેં ફાળામાં પૈસા આપવાની ના કહેલી."

"તમે એ ઉચિત જ કર્યું હતું." અંગ્રેજનો જવાબ અજાયબીભર્યો આવ્યો : "હું એવા પારકા પુનરુદ્ધારની સાફાઈ ચાબાઈને ધિક્કારું છું. મારી છોકરી એ છંદે ચડી છે. પણ તે મારી મરજી વિરુદ્ધ છે."

"તમે શું કરો છો?"

"ફ્યુમાં મારો પોતાનો મોટો ધંધો છે."

ત્યાં તો ટ્રેન યાર્ડમાં આવી પહોંચી. માણસો એને ચોંટી પડ્યાં. ત્રણેય વર્ગમાં ઊભવાની જગ્યા નહોતી. અને સંજોગો એવા હતા કે આ પછી બીજી ટ્રેન દોડતી હશે કે નહીં તે કહેવું કઠીન હતું.

ગોરો મિલિટરીનો મોટો કૉન્ટ્રાક્ટર હતો. એને માટે લશ્કરી ડબ્બામાં જગ્યા થઈ. એ શરમાતો શરમાતો ડૉ. નૌતમ પાસે આવ્યો ને તેમને પોતાની સાથે આવી જવા વિનંતિ કરી.

"મારા સાથીદાર પણ છે, તમને બહુ બોજો થશે."

"કાંઇ નહીં, એ ક્યાં છે?"

"આ રહ્યા!...ઓ બાપ! એ તો બીજાં ત્રણને લાવે છે. હવે આપ અમારી પંચાતમાં ન પડો."

"કાંઈ ફિકર નહીં, હું બધાં જ સારું જગ્યા કરી શકીશ, ચાલો." ગોરાએ પોતાની તરફથી આ ગુજરાતીને પહોંચેલ નુકસાનીનું વટક વાળવાનો નિશ્ચય કર્યો હતો.

રતુભાઈની સાથે શિવશંકરનું કુટુંબ હતું. ડૉ. નૌતમ રતુભાઈ દ્વારા શિવને ઓળખતા, પણ એની પત્ની જોડે પહેલો જ મેળાપ હતો. એની બહેન શારદુ તો હેમકુંવર માટે એક અસાધારણ કૌતુક જેવી બની ગઈ. ચટચટ સુવાવડ વિશે વાતો કરવા લાગી પડી. હેમકુંવરને મોટું આશ્વાસન મળ્યું.