પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આસામના પહાડોનો માર્ગ જ હાથમાં છે. માંડલે હજુ ઘેરાયું નથી. ત્યાં જ તમે નીકળી જાઓ. ને શિવ તું?"

"હું! હું શા માટે કોઈ વિચાર જ કરું? આને હિંદ જવું હોય તો ભલે જતી." શિવે રમૂજથી પત્ની તરફ આંગળી ચીંધી.

"મારે શા માટે જવું પડે? હું તો ખનાન-ટોથી જ નીકળવા નહોતી માગતી." મા-હ્‍લાએ જવાબ વાળ્યો.

"હું તો હિંદમાં ડગલું પણ દેવાનો નથી."

"પણ જાપાન આવે છે. અંગ્રેજ ભાગે છે. નજરે નિહાળો છો ને?"

"તો શું છે?"

"નવા આવશે તે ભૂખ્યા દીપડા હશે."

"અકો!" નીમ્યાએ આવીને રતુભાઈને કહ્યું, "તમારે તો જવું જ પડશે." ડૉ. નૌતમે પણ યાદ આપ્યું :

"હા રતુભાઈ! તમારી ભત્રીજીનું નહીંતર શું થશે!"

રતુભાઈએ ડૉ. નૌતમને ઇશારે ચૂપ કર્યા. એ ઇશારતને જોઈ ગયેલી નીમ્યાએ પુછ્યું, "શું છે?"

મહામહેનતે ભત્રીજી તારાના પત્રની આખી વાત બહાર આવી.

"તો તો જાઓ જ." નીમ્યા આજ્ઞા કરતી હોય તેમ બોલી.

"તમને મૂકીને જવાની છાતી નથી."

"કહું છું કે જાઓ. અમારી ચિંતા છોડો. અમારી તો આ ભૂમિ છે. અમારી તો જે આવશે તેને જરૂર પડશે. તમને પરદેશીઓને નવા આવનાર નહીં સહી લ્યે. નીકળવા તો નહીં પામો, ને વધુમાં ક્યાંક કેદ પકડાઈ જશો. કાં નવા ને કાં જૂના તમને જાસૂસી માટે ઉડાડી દેશે. જાઓ, જલદી જાઓ."

"તું તો મા-નીમ્યા, મને કેટલો નપાવટ ધારે છે!"

"નપાવટ નહી, પણ કાંઈ વિચાર તો કરો! આ ડૉક્ટર બાબુ એકલા બે બાળકો અને સુવાવડી સ્ત્રીને લઈને હિંદ કેમ પહોંચશે?