પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


તમે હેમકુંવરને ખાતર જાઓ."

"વારુ, જાઉં છું. ને તું શિવ? તેં તો નિશ્ચય જ કર્યો છે ને ?"

"હા-જી." ને એણે લલકાર્યું:

યહ ભી દેખા
વહ ભી દેખ લે!

"શિવ! તું નીમ્યાની સંભાળ રાખીશ ને?"

બોલતાં બોલતાં રતુભાઈ બીજી બાજુ જોઈ ગયો.

"આંહીં તો આવો, ડૉક્ટર!" નીમ્યા દોડતી તેડવા આવી. શિવશંકરની બહેન શારદુના શરીરમાં મહાઉત્પાત મચ્યો હતો.

ડૉક્ટરે જઈને તપાસ્યું. માથું ઢાળી ગયા. બહાર નીકળી શિવને ને રતુભાઈને એકાંતે કહ્યું: "પ્લેગ! સામટી ચાર ગાંઠ! એક સ્ત્રી સુવાવડમાં, ને બીજી પ્લેગમાં!"

"એમ ઢગલો ન થઈ પડો, ડૉક્ટર!" રતુભાઈએ છાતી ખોંખારી: "આપણી એકની જ શું આ વાત છે? આજ તો બર્માને ગામેગામ હિંદીઓના ઘરેઘરમાં આ દશા હશે. પણ આ પ્લેગની જો બહાર કોઈને જાણ થશે ને આપણા બાર વાગી જવાના. પ્લેગવાળાંને ગોળીએ જ દેશે."

"કોઈક બારણે બોલાવે છે." નીમ્યા દોડતી આવી.

"કોણ છે?" સૌ ધ્રૂજ્યાં.

"ગામનો તજી."

તજી એટલે સરકારી મુખી. એ બરમા મુખીએ આવીને નામવાર વિગતો પૂછી ને કહ્યું: "કોઈ ડૉક્ટર છે ને તમારી ટોળીમાં?"

"હા, કેમ?" રતુભાઈએ પૂછ્યું.

"મિલિટરીનો ઑર્ડર છે કે કોઈ ડૉક્ટરે બર્મા છોડવાનું નથી."

"આ રહ્યો હું, ભાઈ! આ મૂઓ હું આંહીં." એમ કહેતો શિવ, રખે ડૉ. નૌતમનો ઉલ્લેખ કોઈ કરી નાખે તે બીકે, એકદમ વચ્ચે કુદાવી પડ્યો: "હું તો ક્યાંય જતો નથી. હું શું હજામ છું, કુંભાર છું, કે મને