પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પીમનામાં રહેતો હોવા છતાં મિલિટરીના આ હુકમની ખબર નહીં હોય? આ તો અહીં સુવાવડનો કેસ છે, તે હું આંહીં વિઝિટે આવ્યો છું. જાઓ, જણાવી દો પીમના કે, ડૉ નૌતમ આંહીં તમારી દેખરેખ તળે જ છે, ને તુરત પીમના પાછા આવે છે; અને જુઓ, તજી ! મારું મોં વગેરે બધું બરાબર જોઈ લેજો, પછી પાછા નથી ઓળખતા એમ ન કહેતા!"

"ના રે બાબુ, ના !" એમ બોલતા તજી આ નવા ડૉ. નૌતમનું ડાચું પણ નિહાળ્યા વગર શરમાઈને ચાલ્યા ગયા.

"બોલો, ભાઈ!" શિવે કહ્યું. "હવે તમે બેઉ છૂટા છો. રાત થોડી છે, વેશ ઝાઝા છે. બોલો, મારી શારદુને આંહી મરતી મૂકવી છે? કે..."

"નહીં, શિવ! એ મારી સાથે...." રતુભાઈએ બાંય ચડાવી.

"સોંપું છું - મરે તો મૂકજો રસ્તામાં. ને જીવે તો હૃદય જે કાંઈ સુઝાડે તે કરજો."

દવા ચાલુ થઈ ગઈ હતી. મોટર ખટારો મેળવી લીધો હતો. રાતોરાત પીમનાથી એક નિરાળા સ્ટેશને પહોંચવું હતું. ત્યાંથી કોઈ પણ ગાડી, કોઈ ગુડ્ઝ ટ્રેન, કોઈ એન્જિન ટ્રોલી, જે કાંઈ તકદીરમાં હશે તે જડી જશે. પણ અહીં તો દિવસ ઊગવા દેવો નથી. ડૉ નૌતમ જો ઓળખાઈ જશે તો રઝળી પડશું.

કાંઉલે ઊંઘી ગયો હતો. નીમ્યાને તો 'અકો'ને વિદાય દેવાની પણ વેળા નહોતી. વહાલાં સ્વજનો જુદાં પડે છે ત્યારે ગદગદિત બની આંસુ સારવાનો પણ અવકાશ જોઈએ છે. આંહીં તો ફાળ ને ફફડાટ, ઉતાવળ અને ઉચાટ હતાં. ઓછામાં પૂરું અંધારી રાત હતી. સામાનના ચાર-પાંચ મુદ્દા સાથે લેવાની ભાંજગડ હતી.

"હવે આ બેઉ જણીઓને ઉપાડી ખટારામાં નાખે કોણ?"

"મને કાંઈ નથી, હું તો ચાલી આવીશ." કહેતાં હેમકુંવર બહેન બાળકને તેડી ચાલ્યાં.

"બહિન કૈસે જાયગી?" બેઠેલી મા-હ્‌લા પૂછતી હતી. એનો સ્વર