પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જ કહેતો હતો કે એની છાતી વલોવાતી હતી.

શારદુના શરીરને ઉઠાવવાનું કામ કોઈ પહેલવાનનું હતું.

રતુભાઈએ શિવ સામે એક પલભર નજર કરી. ને શિવે કહ્યું: "હમ્! હવે પૂછવાનું શું છે? જુઓ, રતુભાઈ!" શિવ રતુભાઈના કાન પાસે ગયો, "હું તો અત્યારથી કન્યાદાન દઈ દઉં છું. પ્રભુ તમને...."

"બસ થયું, શિવ!"

એમ કહેતેકને અખાડેબાજ રતુભાઈએ શારદુના ભર્યા દેહને પોતાની ભુજાઓ ઉપર લીધો. પોતાની છાતી પર ધારદુની છાતી આવી. પોતાના ખભા પર શારદુનું માથું આવ્યું. જમણા હાથમાં કદળી-પગની પિંડીઓ આવી.

- અને અંતરમાં પ્રાર્થના આવી: "જીવનના દેવ ! જીવનનો એક જ જ્યોતિકણ આપજો."


૨૭

પ્રભુ સિધાવ્યા

ક પખવાડિયા પછી ટમુ નામના ગામને સીમાડે જે સેંકડો માણસોનો પડાવ પડ્યો હતો તેમના દીદાર વિચિત્ર હતા. પડાવમાંથી કોઈક એક અનિર્વચનીય બદબો બફાતી બફાતી બહાર નીકળતી હતી. હજુયે ગાડાંની કતાર ચાલી આવતી હતી. જેઠ મહિનાની બાફ લાગતાં મકોડાના ધણ ઊમટે તેમ માનવી ઊભરાઈ ચાલ્યાં હતાં. માર્ચ મહિનો હતો.

કાળા કીટોડા જેવા લેબાસમાં બે જણા એક ગાડા પાસે લોથપોથ પડ્યા પડ્યા વાતો કરતા હતા, ત્યાં ગામનાં કંગાલો તેમની પાસે માગતાં ઊભાં:

"તઠે એ... સેલેંયે લફ્યે સીએને પેબા!" (ઓ શેઠજી, બીડી ને