સાત જણા રસ્તે મરી ગયા?"
"હા, ઈ જ. મરે ઈ તો. અમરપટો કોઈ થોડો લાવ્યું છે!" એમ કહેતો એ માણસ થૂંક્યો.
"ઓ પણે ઓલી મદ્રાસણ બાઈ રુવે. હવે મોં શું વાળી રહી હશે? કૉલેરા ફાટ્યો એમાં કોઈ શું કરે? એનો ધણી મૂઓ ને બીજો શું જીવતો રે'ત!"
"ભાઈ ! આપણાં બૈરાં છોકરાં દેશ ભેળાં થઈ ગયાં એટલે સૂઝે છે આ બધાં લાડ!"
"દેશ છે કાંઈ - કમબખત દેશ!" પેલા ભાઈએ વળી પાછું શરૂ કર્યું : "નોટુંના થોકડા ગાંઠે બાંધી લીધા ન હોત તો રસ્તે પાણી પીવાય આપત? આમ જુઓ આ મૂર્તિયું હાલી આવે. ડાકણ્યું જ લાગે છે કે બીજું કાંઈ?"
બે-ત્રણ બર્મી સ્ત્રીઓ ચારે બાજુ ફરતી ફરતી આવતી હતી ને બધાને કહેતી હતી તેમ આ બે જણને પણ કહ્યું: "બાબુ ત્વામાલા? (બાબુ, દેશ જાઓ છો ને?")
"હા બાપ! ત્વામશું જ ના હવે તો!" એમ કહેતા આ ભાઈ ડોકું ધુણાવતા હતા.
"હાં... આં... બાબુ ત્વામે !( બાબુજી દેશ જશે!) પેલી સ્ત્રીઓ સાદી જ વાત કરતી હતી.
પણ શબ્દોમાં આ ભાઈએ વ્યંગ ઉકેલ્યો:
"ટળિયેં છયેં બાપ! ટળિયેં છયેં. તમારા દેશનો છેલ્લો છેડો આવી રહ્યો હોય તોય હજી કેમ અમારો જીવ ખાવા ફરી છો, માવડિયું! આ ત્વામ્યા, બાપા ! અમે તો હવે આ ત્વામ્યા. પણ ભૂલશો નહીં, બચ્ચાંઓ, કે એક દિવસ અમે પાછા આવશું!"
એમ કહેતાં જ એણે ઊઠવા યત્ન કર્યો ને કહ્યું, "પગ તો સૂઝીને થાંભલા થયા છે. આ ગાડાં ! - એનાં મીંદડાં જેવાં બળદો ! આ ગાડામાં બેસાય જ કઈ રીતે? રાતે તાપણાં કરી કરીને જાગરણ કરવાં આ બધા