પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હે પાલક ભૂમિ! મારાં અનેક ભાંડુઓએ છેલ્લાં સાઠ વર્ષમાં તારી કુસેવા કરી હશે. એમને ક્ષમા દેજે. એ શું કરે બાપડાં? અમારી અંબા જ જર્જરિત, લૂંટાયેલી અને ધાન્યહીન છે; એટલે અમે આવ્યા તારે દ્વારે, ભૂખનાં વડકાં ભરતાં. અમે આવ્યા, અભણ અને અણસંસ્કારી સ્થિતિમાં. આવવું કેમ, પરને આંગણે રહેવું ને વર્તવું કેમ, એની અમને ગતાગમ નહોતી; ક્ષમા દેજે.

"તને વગોવી હશે, વગર સમજ્યે. ક્ષમા દેજે."

"કોઈક દિવસ આવશે મારાં દેશવાસીઓ - તું આગળ તારાં થઈને.

"કોઈક દિવસ તું પોતે જ બની જશે અમારી માતૃતનયા. આજે તો તને ઇરાદાપૂર્વક ઉચ્છેદી છે."

ફરી ફરી વંદનો કરીને એ ઊઠ્યો. આગળ ચાલ્યો. ડોળીમાં પડેલી શારદુએ ક્ષીણ નેત્રે રતુભાઈનું રડેલું મોં નિહાળ્યું. ક્ષીણ સ્વરે એણે પૂછ્યું: "મારાં ભાભી કાંઇ બોલ્યાં'તાં?"

"બધું જ કહીશ." રતુભાઈના એ મીઠા જવાબે શારદુની છાતી છલાવી.

શારદુની પથારી પાસે જ પંદર દિવસ ને પંદર રાત ગાળનાર રતુભાઈ શારદુને મન અજાણ્યો નહોતો રહ્યો. દેશમાં જશું એટલે કોઈક નવી જ જીવન-દુનિયા ઊઘડવાનાં સ્વપ્નોમાં એ મસ્ત રહેતી હતી.

પગપાળો કાફલો આવી પહોંચ્યો. તેમણે રતુભાઈને ઘૂંટણિયે પડતો જોયો હતો. તેમણે પણ ઊભા રહીને છેલ્લી દૃષ્ટિ બ્રહ્મદેશ તરફ નાખી લીધી.

"ચાલો, આપણે પણ પ્રાર્થના કરીએ, બચ્ચાં." કહીને ગોરા પિતાએ પોતાનાં બેઉ બાળકોને બ્રહ્મદેશ તરફ ઘૂંટણિયે ઝુકાવ્યાં. ડૉ. નૌતમ પણ પોતાની હૅટ બગલમાં દબાવી પૂર્વ ભણી ઊભા રહ્યા.

સાંજ પડતાં કાફલો એક પહાડ ચડીને પાછળ એની ખીણમાં ઊતરી ગયો. બ્રહ્મદેશ આડો પરિપૂર્ણ પડદો પડી ગયો.