પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એકરસ બની ગઈ હતી. બાહ્ય પરિસ્થિતિએ કાળા-ગોરા અને ઊંંચ-નીચનો ભેદ નામમાત્ર પણ નહોતો રહેવા દીધો, એટલે બાકી રહી હતી શુદ્ધ માનવતા. ગોરી કન્યાએ પણ પંદર દિવસથી કપડાં બદલ્યાં નહોતાં. સ્નાન પામી નહોતી. અરે, આલુ બાફવા સિવાય બીજું કાંઈ એને આવડતું નહીં, એટલે ખોરાક તો એને રતુભાઈ પકાવી દેતા.

સાહેબ આવીને પહેલાં તો નિરાંતે બેઠા. પછી એણે મોં લૂછ્યું. કન્યાએ પૂછ્યું, "ડૅડી ! રૉબી ક્યાં ?"

"પ્રભુને ત્યાં." ગોરાએ ઊંચે આંખો કરી.

કન્યા આભી બની, આંખો ફાડી બાપ સામે જોઈ રહી. બાપે કહ્યું: "ડાર્લિંગ ! રોબીને તો સદા માટે પાછળ મૂક્યો."

પછી તો ભાઈની બહેનનું છાતીફાટ કલ્પાંત એ પડાવમાં રેલાયું. માવિહોણાં બે બચ્ચાં હતાં. એમાંથી એક જાણે કે અટવીમાં ભૂલું પડી ગયું ને ગાયબ બન્યું.

"રડ ના, બેટા !" બાપે કહ્યું, "આ સુવાવડી લેડી દુભાશે."

રતુભાઈ, ડૉ. નૌતમ વગેરે સૌ દોડ્યા આવ્યા. પૂછવા લાગ્યા, "રૉબીને શું થયું?"

"કાલથી જ ન્યુમોનિયા હતો. રસ્તે ન્યુમોનિયા વધ્યો. ઓઢાડવા-પાથરવાને કાંઈ નહોતું. મેં બીજે ખંધોલે એને ઊચકીને તેડ્યો. માથે મે તો વરસતો જ હતો. રસ્તે જ રૉબી ખતમ થયો."

"પછી?"

"પછી શું? એક બાજુ મુડદું મૂકી દઈને હું ચાલ્યો."

"કાલે અસર હતી તો મને કેમ ન કહ્યું ?"

"કહીને શું કરું ? તમે થોડા જ ડૉક્ટર છો ?"

ડૉ. નૌતમ લેવાઈ ગયા. એણે જ પોતાની જાત છુપાવી રાખી હતી. એણે કહ્યું: "મિત્ર ! હું હીનભાગી ખરેખર ડૉક્ટર જ છું. પણ મારે છુપાઈને નીકળી જવું પડ્યું છે. રૉબીની આવરદા તો ઈશ્વરાધીન વાત હતી. પણ હું ડૉક્ટર છતાં મારી ફરજ ન બજાવી શક્યો. ધિક્‌ છે મને."