પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તમે શું કરો, મિત્ર ! મારા જેવા ગોરા પર તમને એટલો બધો ઇતબાર તે ક્યાંથી આવે કે સાચી ઓળખાણ આપો !"

ગોરાનું આવું મૃત્યુ, અને આવી એના મૃત્યુની દશા, એ પરાધીન હિંદીઓને પહેલી જ વાર સાંભળવા મળી.

નાંગા પહાડોના નિર્જન ખોળામાં માનવી માનવી વચ્ચેનો આ નિહાળવા મળેલો અભેદ કલ્યાણકર હતો, પણ અતિ કષ્ટકારી હતો.

હેમકુંવરબહેને રૉબીની બહેનને ગોદમાં લઈને આખી રાત આશ્વાસ્યે રાખી. ગોરો પિતા તો નાંગાના નિશ્ચલ શિખર જેવો બેસી રહ્યો. એણે ડો. નૌતમને ને રતુભાઈને કહ્યું: "યુરોપનું અક્કેક ઘર આજે જે અનુભવી રહ્યું છે, એના પ્રમાણમાં મારા રૉબીનું અવસાન શી વિસાતમાં છે ! અરે, એટલે દૂર કાં જવું ? ઓ જુઓ પેલી પંજાબણ રડે ! એના પતિ અને પુત્ર, બેઉને મેં રસ્તે ડચકાં ખાતા પડેલા દીઠા; અને એમને છેલ્લું પાણી પણ આપી શક્યા વગર એ બાઈને પોતાને સંગાથ સાથે ચાલી નીકળવું પડ્યું છે."

રાતમાં ડૉ. નૌતમે કહ્યું: "સાહેબ, તમારી ને બહેનની મનોવ્યથાને કંઈક વિરામ મળે તેટલા સારુ આપણે આજ આંહીં જ રોકાઈ જઈએ."

"એકને ગુમાવ્યો છે, હવે આપણા પડાવમાંથી આ બીજા બાળકને પણ ગુમાવવો હોય તો રોકાઈએ," સાહેબે ડૉ, નૌતમના બાબલાને શિરે હાથ મૂકીને કહ્યું, "ચાલો, ચાલો, રોકાવાનું હોય જ નહીં. આ તો સંગ્રામ છે; વિધાતા સામેનો."

ઠંડી તાકાતના એ નમૂના પ્રત્યે, કાફલાવાળી સર્વ આંખો ચોંટી રહી. એ પોતે તો સિગારના સળગતા ટોપકા પરથી મરેલી રાખને છંટકોરતો, ધીરે ધીરે જલતા છેડા પર જ તાકી રહ્યો હતો.

"સળગવું, રાખ થતાં જવું - લાઈફ ઈઝ એ સિગાર, માય ફ્રેન્ડઝ ! (જીવન એક બીડી જ છે, મારા મિત્રો !)" એવા મધુર બોલ એ લૂંટાયેલા પિતાના મોંને વધુ મધુર બનાવતા હતા, અને આત્માને તો તેથીયે વધુ મધુર.