પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પગદંડીની ઊંચી પહાડ-ટોચેથી છેક નીચે તળેટી સુધી ઊતરી ઊતરીને પાણી પણ એણે લાવી લાવી સૌને પિવરાવ્યું.

"આ કાંઈ ઉપકાર થોડો કરું છું !" એ કહેતા: "પ્રત્યેક ટીપું રૉબીને પહોંચશે.

"સાહેબનાં ટોળટીખળો જોતી જોતી ડોળીમાં પડેલી શારદુના મોં પર હાસ્ય ઊપસતું, ને એ ઊપસેલી ફિક્કી ચામડી પરથી આંસુનાં ઝરણાં ચાલતાં.

*

ઇમ્ફાલ ! - આખરે મણિપુર ઉર્ફે ઇમ્ફાલની મહેલાતો નજરે પડી, અને સાહેબ સૌથી પહેલો આનંદ-શોર કરી ઊઠ્યો: "લૅન્ડ, માય બૉય્ઝ, ધ પ્રોમીસ્ડ લૅન્ડ ! આખરે આપણી મનોરથસિદ્ધિનું સ્વર્ગધામ આવી પહોંચ્યું.

પણ એના હર્ષનાદને કાફલામાંથી એકેય જણ ઝીલી શકતું નહોતું. સૌને રૉબીની ખોટ સાલતી હતી. હેમકુંવરબહેન સૌથી વધુ વેદનાને સંઘરતાં હતાં. સાથેનાં કાજુ વગેરે મેવાનો ભાગ છેલ્લા પાંચ પડાવો વખતે એણે જ્યારે જ્યારે વહેંચ્યો હતો, ત્યારે દરેક વખતે બીજાં સૌને આપી રહ્યા પછી પણ ભૂલભૂલમાં એણે અક્કેક મૂઠી ભરી રાખી હતી. કોઈક હજુ રહી ગયું છે એવો વિભ્રમ થતો, ને પછી પોતે મૂઠી ડબામાં પાછી ખંખેરી નાખી સ્વગત ઉદ્‌ગારો કાઢતી: 'હાય હાય રે મૂઈ, હૈયાફૂટી!'

પલેલના કૅમ્પમાંથી જ્યારે સાહેબે બાબલાને નીચે મૂકી વિદાય લીધી, ત્યારે હેમકુંવરથી ધ્રુસકે ધ્રુસકે રડી જવાયું. ડૉ. નૌતમે સખત ઠપકો દઈ એને માંડ ચૂપ કર્યાં. ચાલી નીકળેલાં બાપ-દીકરીની પાછળ બાબલો ચીસ પાડતો દોડ્યો. તેને સાહેબે ઘોઘર બિલાડાનો ઘુરકાટભર્યો અવાજ કાઢીને જરા બિવરાવી પાછો વાળ્યો, અને દૂર દૂર સાહેબના શિર પરથી ઊંંચકાઈને હવામાં વીંઝાતી હૅટ સૌને દેખાઈ.

*