પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઓળખ્યો ! હું માંઉ-પૂ !"

અને એણે પોતાના બેઉ ખભા ડૉ. નૌતમ તરફ રજુ કર્યા.

"અરરર !" ડૉક્ટરે ઉચ્ચાર્યું. આના તો બેઉ હાથ ખભેથી જ ગયા છે. નીમ્યાનો વર !

બેઉ ઠૂંઠાઓ હસતા જ બેઠા હતા. ઠૂંઠા હાથ ને ખભા વારંવાર દર્શાવીને કોઈક મોટી સિદ્ધિની જાણે વધાઈ ખાઈ રહ્યા હતા.

ડૉ. નૌતમને અને રતુભાઈને દૃશ્યે અબોલ, દિગ્મૂઢ બનાવ્યા. પોતાના અતિ નિકટના આ બેઉ બર્મી જુવાનોનાં છૂંદાયેલાં મોં ઓળખાતાં વાર થઈ, પણ ઓળખાયા પછી જે એકાદબે પલ વીતી તે દરમ્યાનની મનોવેદના અકથ્ય હતી. આંખે ઝળઝળિયાં આવ્યાં. રતુભાઈએ હાથની ઇશારતે પૂછ્યું, "આ શું ?"

"માંડલેનો કિલ્લો - જ્યાં તમારા લજપતરાય અને ટિળક પુરાયેલા - એને અમે ઉડાવ્યો. અમારા હાથ પણ ત્યાં હોમી આવ્યા."

સમજતાં ઘડીઓ વીતી. આ બેઉ માંડલેનો કિલ્લો ફૂંકવામાં ક્યાંથી ? જાપાનીઓને મળી ગયેલા ?

હાં હાં ! તખીન પાર્ટીનો આ જલતો તિખારો માંઉ-માંઉ બ્રહ્મદેશમાંથી ગાયબ બન્યો હતો. બનેવીને લઈને જાપાનીઓમાં જ જઈ ભળ્યો હોવો જોઈએ.

"નીમ્યાને..." માંઉ-પૂના મોંમાંથી આટલો બોલ પડ્યો ત્યાં તો કેદીઓની એ હૉસ્પિટલ-ટ્રેનનાં પૈડાં ફર્યાં. ઘડીકમાં તો એ ટ્રેનના છેલ્લા ડબાની પીઠ પરની લાલચોળ ત્રણ બત્તીઓ જ દેખાઈ ને અંધકારમાં ઓરાઈ ગઈ.

ભણેલોગણેલો જુવાન; આંખે-મોંએ માના જેવો ફૂટડો, ધડાબંધી અંગ્રેજી વાગ્ધારા રેલાવતો, વિચારવંત, કાળમાં ને કાળમાં ફુંગી બનેલો, મા-હ્‌લાને ચાહનારો : છેલ્લે એને ખનાન-ટોનાં હુલ્લડ ચલવતો ને નારીના તેજ સામે પરાસ્ત બની પાછો વળેલો દીઠો'તો. પણ આ શું બોલી ગયો એ ? માંડલેના કિલ્લાનો ધ્વંસ ક્યાં ને આ ક્યાં ! રતુભાઈને નીમ્યાએ