પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છેલ્લી વાત કહી જ નહોતી.

સોનાંકાકી સાંભરી આવ્યાં. છેલ્લે છેલ્લે એક સોનાંકાકી જ મળ્યા વગરનાં રહ્યાં હતાં. સોનાંકાકી - પિતાએ પોતાની જુવાનીમાં કોઈક દિન ચાહેલી એ પ્રૌઢા ! દરેક રીતે પૂરેપૂરી માતાપદને પાત્ર એ ઢો-સ્વેનો તો આખો સમાગમ જ ડૉ. નૌતમના જીવનમાં ઝંકાર પાડી રહ્યો.

*

"આ બાબલો જોયો તમારો ?" હેમકુંવરબહેને મહેસાણા વળોટ્યા પછી ડૉ. નૌતમને નવા ખબર આપ્યા : "પાજી જ છે ના ! શારદુબહેનને કહે છે કે: શાદુ મામી!"

ભરાવા લાગેલા શારદુના ગાલ, જેના ઉપર કાબરચીતરી કેશલટો ઝૂલતી હતી, તે ગાલ કાનના મૂળ લગી રાતાચોળ થયા.

"ભલે કહેતો !" રતુભાઈએ પૂર્ણવિરામ મૂક્યું. શારદુ વધુ લાલ બની ગઈ.

વઢવાણ કૅમ્પ છોડીને ટ્રેન આગળ વધી. વાંકાનેર આવવાને વાર નહોતી. પણ રતુભાઈની નજર સામે બે જ દૃશ્યો રમતાં હતાં: એક કોણી સુધી કપાયેલા હાથની નીમ્યાના અકોએ કરેલી સલામ ને બીજું સલામ ઝીલવાના એકેય હાથ વગરની પોતાની પ્યારી અમા નીમ્યાના નાથ માંઉ-પૂની સ્થિતિ:

નીમ્યાને આ સ્થિતિનું દર્શન કદી જ ન કરાવજો, હે મારા નાથ !