પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ દર્શને હૃદયમાં એક ઊંડો ધબકાર અનુભવ્યો અને એ મોટર પાસે ઊપડતે પગલી આવી. એણે પૂછ્યું, "તમે કોણ છો? તમે આંહી નવા આવ્યા છો?"

ડૉ નૌતમ બર્મી ભાષા જાણતા નહોતા. રતુભાઈ નામના એનાએ સાથી કહ્યું, 'હા, ઢો-સ્વે! નવા આવ્યા છે. ડૉક્ટર છે."

બાઈ બોલી : "તમે...! તમે હજુ આવડા ને આવડા જ રહ્યા છો?"

એ ઉદ્ગારો અકળ અને અગમ હતા. રતુભાઈ જેવો છેલ્લા એક વર્ષથી બર્મી ભાષાનો અનુભવી પણ આ શબ્દોનો અર્થ તારવી શક્યો નહીં. પેલી બાઈને એ પિછાનતો હતો. એણે કહ્યું, "ઢો-સ્વે, તમે શું કહેવા માગો છો?"

ઢો-સ્વે નામની પ્રૌઢાએ પોતાના મનને કાબૂમાં લઈને ધીમેથી પૂછ્યું: "તમારા પિતા અહીં કદી હતા?"

"હા, મારા જન્મ પહેલાં." ડૉ. નૌતમે રતુભાઈ દ્વારા જવાબ દેતાં દેતાં ઢો-સ્વેને કૌતુકભેર નિહાળી.

"તું એનો જ પુત્ર ! બાબુલે, આબેહૂબ એની જ મૂર્તિ ! એ ક્યાં છે?'

"ગુજરી ગયા છે."

"સૌઉં ત્વારે ! ગુજરી ગયા ! હો... હો ! છોકરીઓ !" એણે પાણી ભરીને થંભી ગયેલ યુવતીઓને કહ્યું, "એને ધીરે ધીરે રોળજો. એ ફૂલ સમાન છે. નહીં સહી શકે."

પોતે એક બાલદીમાંથી ખોબો ભરીને નૌતમના શિરપર અભિષેક કર્યો ને પછી કહ્યું: "તારા પિતા મારે માની દુકાને હતા. તું ક્યાં રહે છે?"

ડૉ. નૌતમનું સરનામું લઈ, એક વારે એને શિરે હાથ ફેરવીને ઢો-સ્વેએ ગાડીને જવા દીધી.

"રહો રહો!' તુરત એણે ફરી એક વાર થોભવાનું કહી ઘરમાં