પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


છે કે તમારા પિતા એને ત્યાં નોકરી કરતા હશે."

"મારો ને પિતાજીનો ચહેરો એકદમ સરખા છે. આજે પણ પિતાની જુવાનીની તસવીર જોઈને ઘણા ભૂલ ખાઈ જાય છે."

"ત્યારે તો તમને પણ એણે સાચા પિછાની લીધા."

ઘેર જઈને ડૉ. નૌતમ ગંભીર બની ગયો. એના અંતરમાં પિતાનું બ્રહ્મદેશ ખાતેનું યૌવન કલ્પનારંગે ઘોળાવા લાગ્યું.


'ઢો-ભમા!'

પીમના ગામમાં આ તઘુલાનો ઉત્સવ ચાલુ રહ્યો. વરુણદેવે હજુ જવાબ વાળ્યો નહોતો. વૈશાખ-જેઠના વાયદાની હજુ એણે સાખ પૂરી નહોતી. એકાદ વૃષ્ટિ, એકાદ ઝાપટું, એકાદ આછેરી ઝરમર પણ આકાશ ન વરસાવે ત્યાં સુધી એણે વર્ષની આબાદીનો કોલ આપ્યો ન ગણાય. વૃદ્ધો અને ફુંગીઓ (બર્મી ધર્મગુરુઓ) ફયા (મંદિરો)માં અને ચાંઉ(મઠો)માં માળા લઈ ભૂખ્યા તરસ્યા, વરુણને આરાધવા બેઠા હતા, અને તરુણ પ્રજા ભૂખ તરસને ભૂલી જઈ જળબંબાકાર કરી રહી હતી.

આખરે ઇન્દ્રે (તઝાંમીએ) પૃથ્વીને કોલ આપ્યો. ધરતીને ખભે એક આછેરા મલમલિયા મેઘનો પવા (દુપટ્ટો) પહેરાવીને વરુણે નવા વર્ષનો નેહ જાહેર કર્યો. એટલે એ છેલ્લે દિવસે બ્રહ્મી ઘેરૈયા અને ઘેરૈયાણીઓ, સ્ત્રીઓ ને પુરુષો, શહેર બહારના તળાવ પર ગયાં. ખાવા કે પીવાનું તેમને ભાન નહોતું. ભીનાં વસ્ત્રો બદલવાની વેળા નહોતી. યુવાન બ્રહ્મદેશીઓ જળનાં જ જીવડાં બન્યાં હતાં. પાણી ખાનારો પાણીદાર ઠરતો. છેલ્લી સાંજના એ જળમેળામાં રાંધેલા ચાવલ વેચાતા લઈ લઈને જરા ટકાવ મેળવતાં જુવાનિયાં ફરી પાછાં પાણીએ રમવામાં પાગલ