પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


બન્યાં. વળતે દિવસે ઘેરૈયાના ઘેર 'ઇરાપો' ગાતા બજાવતા ગામ ભણી પાછા વળ્યા. તેમાંનાં કંઇકનાં શરીર શીતે થરથરતાં હતાં. ગૌર કાંતિ ઝાંખી પડી હતી. સ્ત્રીઓનાં માથાં ટપકતાં હતાં, છતાં વાળની લટેલટ ઓળી લઈને માથાના બ્રહ્મરંધ્ર ઉપર છત્રીઘાટે સજેલા અંબોડા અણીચૂક આબાદ હતા - અને તેમાં પઢાઉનાં નાનાં પીળાં પુષ્પો નવેસર મઢાયાં હતાં. પાણી અને પુષ્પોનો ઉત્સવ ચોથા દિવસની સંધ્યાએ પૂરો થયો.

બીજા દિવસે આ ગામના તઘુલાનાં શાંત શીતળ વાતાવરણને છિન્નવિચ્છિન્ન કરી નાખનાર એક ઓર તરેહની કિકિયારી સંભળાણી:

"ઢો ભમા ઇંજીલા ! ઢો ભમા ઇંજીલા ! ઢો ભમા ઇંજીલા ! "

રેશમી રંગબેરંગી લુંગીને બદલે સફેદ હાફ-પેન્ટ અને શર્ટમાં સજ્જ થયેલ એક વિરાટ વિકરાળ યુવક-સમૂહ હૂકળતો ઉછળતો માર્ગેથી પસાર થતો હતો. એ પ્રત્યેક હાકમાં રણહાકનો રણકાર હતો. એ રણહાક પોતે જ કંગાળને ક્રોધિત અને શાંતને રૌદ્રરૂપ આપનારી હતી. બોલનારાઓની આંખોના ડોળા બેઉ બાજુનાં મકાનો સામે જોઈ જોઈ લાલ લાલ પોપચાં ને પાંપણો વચ્ચે ઘૂમતા હતા.

એની આગળ ચાલતા યુવાનો માંહેનો એક તો બળતા કોયલાના અંગારની સાક્ષાત્ માનવમૂર્તિ હતો.

"આ વળી શું રોનક?" ડૉ. નૌતમ બીધા.

"એ છે તખીન પાર્ટી નામનો આંહીંનો સ્વાધીન બ્રહ્મદેશવાળો રાજદ્વારી પક્ષ. કહે છે 'ઢો ભમા : અમે બ્રહ્મદેશીઓ, અમે બ્રહ્મદેશીઓ ! બ્રહ્મદેશ અમારો છે, અન્ય કોઈનો નથી.' એમને બ્રહ્મદેશનું સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઇએ છે." રતુભાઈએ કહ્યું.

"આપણી વિરુદ્ધ છે!"

"આપણો ઇન્કિલાબ ઝિંદાબાદ જેટલા અંશે પરદેશીઓની વિરુદ્ધ છે તેટલા અંશે. આપણે જે કાંઈ બથાવી બેઠા છીએ તે એ છોડાવવા માગે છે. મદ્રાસી ચેટ્ટીઓ જમીનો દબાવી બેઠા છે. ગુજરાતી અને મારવાડીઓ ચાવલની મિલો પચાવી પડેલ છે. પંજાબીઓ વગેરે એનાં