પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાંઉડે મહૌલા? (આંહીં તને સારું લાગે છે ને?) કો ઐ લાબા (મારે ઘેર આવો) તો હું ભાષા શીખવું. જુઓ, કોઈ આવે તેને આમ કહેવાય: લાબા( આવો), થાંઈબા (બેસો), સાબા (ખાઓ). હેં તું મારે ઘેર આવીશને?"

મોંમાંથી ફૂલ ઝરે તેવા ઝરતા આ બધા શબ્દોના અર્થો રતુભાઈ કરતા જતા હતા અને હેમકુંવર તો વધુ ને વધુ હેબતાતી હતી.

"સાથે સાથે, હેં ઢો-સ્વે !" રતુભાઈએ વિનોદમાં કહ્યું, "એને એ પણ બતાવોને કે સ્ત્રી કોઈના ઉપર ખીજે ત્યારે શું કહે ?"

"અરે જાવ જાવ બાબુ! એવું તે કાંઈ શીખવાતું હશે?"

"તમે ભૂલી ગયાં હશો, ઢો-સ્વે, પણ હું નથી ભૂલ્યો. અમારા શાંતિદાસ શેઠના મહેતાજીએ તમારી દીકરીના હાથમાં ગીની આપતી વખતે અણછાજતું વર્તન કરેલું, ત્યારે તમે શું કહેલું?"

તુરત ઢો-સ્વે બોલી ઊઠી: "જો આમ કહેવાય : તૈ મપ્યો બાને (બહુ બોલીશ મા), ધૌખા મ્યામે (મુશ્કેલીમાં આવી જઈશ), ફના છામે(જોડો લગાવીશ)." એમ કહેતાં કહેતાં આ બ્રહ્મી સ્ત્રીએ પોતાના પગમાં પહેરેલાં રેશમી ચંપલ લેવાનો અભિનય કર્યો.

"જોયું, હેમકુંવરબહેન ! આ છે આંહીંની સ્ત્રીઓની ખુમારી ને કુમાશ બેઉ જોડાજોડ." રતુભાઈએ સમજાવ્યું.

"તું હમણાં કેમ દેખાતો નથી બાબુલે!" કાકીએ રતુભાઈને પૂછ્યું.

"ઢો-સ્વે! હું તો હવે યાંગઉં (રંગૂન) રહું છું." રતુભાઈએ ઓળખાણ તાજી કરી; "પણ તમે પૈસેટકે ઘસાઈ ગયાં એ જાણી દિલગીર થયો."

"હો... ઓ... ઓ...! પેસા ફ્યા યુત્વારે (પૈસા તો પ્રભુ જ લઈ ગયા). ફ્યા પેમે (પ્રભુ જ પાછા આપશે). કૈસા મશીબૂ, બાબુલે (કુચ્છ પરવા નહીં, બાબુ)! પણ હવે હું જે કામે આવી છું તે કહું, ડૉક્ટર બાબુ ! મારી દીકરીએ સખત શરદી છે. અત્યારે ચાલશો ઘેર ! હું તમને મળ્યા પછી તો બીજા કોઈ ડૉક્ટર પાસે જવા માગતી નથી. ભલેને