પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગોપાલ સ્વામી હોશિયાર રહ્યા. બૅનરજી બાબુને પણ બહિ બોલાવું. તમે આવ્યા એટલે મારે તો ફ્યા લારે (દેવ આવ્યા). રતુબાબુ, તમે પણ ચાલશો? નહીંતર ડૉક્ટરને અમારી વાત કોણ સમજાવશે?"

હેમકુંવરબહેનને ઊંંડા ઉચાટમાં મૂકીને ડી. નૌતમે પોતાની મોટર કઢાવી અને પોતાની બાજુમાં બેઠેલી આ બાઈ ત્રીસ વર્ષ પર, એટલે કે વીસેક વર્ષની વયે, કેવી સુંદર અને સુવાસિત હશે, કેવી આકર્ષક અને દ્રાવક હશે, પિતાએ બર્મા એકાએક કેમ છોડ્યું હશે - શું આની જ યૌવનઝાળથી ધ્રુજીને? એવું ચિંતવતા ચિંતવતા ઢો-સ્વેને ઘેર પહોંચ્યા. આટલી ઉંમરે પણ એ બાઈના દેહમાંથી તનાખા (ચંદનનો લેપ) મહેકતો હતો. બ્રહ્મી નારીને તનાખા વગર ચાલે નહીં.

ધરતીથી અધ્ધર રોપેલું લાકડાનું ઘડેલું એ નાનું ઘર હતું અને એને ફરતો બાગ હતો. ઢો-સ્વે જે કાળે મા-સ્વે હતી તે સમયની સમૃદ્ધિના અવશેષરૂપે રહ્યાં હતાં. એક ફક્ત પુષ્પે મહેકતો બાગ અને આ કાષ્ઠની સુંદર ઇમારત : માતાનો મળેલ વારસો. બ્રહ્મ દેશમાં વારસદાર પુત્રી બને છે પુત્ર નહીં.

પિતાનું યૌવન અહીં કદીક કદીક ચૈત્રની ચાંદનીમાં બેઠું હશે? કોણ જાણે ! ઢો-સ્વેનું હૃદય એ ઇતિહાસ સાચવીને બેઠું હશે?

અંદર એક વૃદ્ધ છતાં આઘેડ જેવો જણાતો પુરુષ પરસાળમાં નેતરની ચટાઈ પર બેઠો બેઠો શાંતિથી ચિરૂટ ચૂસતો હતો. ઉશ્કેરાટને સહેલાથી વશ થતાં છતાં ચોમેર ફ્યાઓની અંદર બુદ્ધદેવની ધ્યાનમગ્ન, સ્વસ્થ, શાંત, ધીરગંભીર પ્રતિમાઓનાં ધ્યાન ધરતા બ્રહ્મદેશી પુરુષોનો આ નર એક નમૂનો હતો. એણે ફક્ત એટલું કહ્યું : "લાબા" (આવો).

પરસાળમાંથી દરદીને ઓરડે (ઓરડા એટલે બ્રહ્મી ઘરમાં લાલ મધરાસી ચક જડીને લાકડાને ચોગટે પાડેલ પાર્ટિશન) જતાં તેને દ્વારે ઊભેલ યુવાનને જોતાં જ ડૉ. નૌતમ ખચકાયા. હજુ બે જ કલાક પર એને દીઠો હતો. હજુ એણે કપડાં બદલ્યાં નહોતાં. એ જ શ્વેત હાફ-પૅન્ટ અને શર્ટ; અને હમણાં જ જાણે કે એ ગરજી ઊઠશે: 'ઢો ભમા ઇંજીલા.'