પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'રતુભાઇએ સાચું કહ્યું, :ઢો-સ્વે એકદમ બોલી ઉઠી, "ચાર દિવસ પાણીમાં તરબોળ રહી હતી, ને તળાવે એક રાત ઉઘાડામાં ગાળી આવી છે."

"ફિકર નહીં." કહીને તાત્કાલિક ઇન્જેક્શન વગેરે આપી નૌતમે દવાખાને દવા લેવા આવવા કહ્યું.

"માઉ-માઉ!" માએ પુત્રને આજ્ઞા કરી, "બાબુ જોડે જા."

બાપ રે ! આ ઢો ભમાવાળો માંઉ-માંઉ ભેળો આવશે !

"ફિકર નહીં, ડૉક્ટર સાહેબ !" રતુભાઇએ મિત્રની અસ્વસ્થતા જોઇને કહ્યું : "એ બધા જ બૂમબરાડા આપણા ઇન્કિલાબ ઝિન્દાબાદ જેવા છે. કાલે સવારે જ આ ભાઈ વિદેશી ડગલા વગર અને શાંતિદાસ શેઠની દુકાનની ઘડિયાળની સોનાની ચેઇન વગર બીજો ઘા નથી કરવાના. ઉપરાંત, મેં પણ આંહીં અખાડા ચલાવ્યા છે."

લળી લળી મારગ કરતી ગૃહિણી છેક મોટર સુધી બહાર ગઈ અને રૂપિયા દશની નોટના બે કટકા દાક્તરના હાથમાં સેરવવા લાગી.

"નહીં, નહીં, આજે તો નહીં જ." ડૉ. નૌતમે ના કહી.

"હા...આ...આ, બાબુલે! લેવા જ જોઇએ. ફયા સુ (દેવના સોગંદ)!"

"કૃપા કરી આજે માફ રાખો, સોનાં કાકી."

"પણ કારણ ?"

"કારણ શું ! તમે મારા પિતાજીની પિછાન તાજી કરાવી છે."

"તારા પિતાનો તો અમારી પાસે છેલ્લો પગાર પણ બાકી છે, ગાંડા ! એ તો ખબર પણ દીધા વગર ઉપડી ગયેલા. સારું થયું. જમાનો બહુ ખરાબ આવ્યો, બાબુલે ! જો આ અમારા જુવાન છોકરા ! તમને કાઢવા ઊઠ્યા છે. તમારા મજૂરો પણ અમને સાલે છે. તારા બાપુ ! ઓહ ! એ તો બચી ગયા. જોને રતુબાબુ ! તમને તો ખબર છે, આપણા મનસુખબાબુની કેવી દુર્દશા છે આજે !"

"શું કહે છે આ સોનાં કાકી ?" ડૉ. નૌતમે પૂછ્યું.