પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


"મનસુખલાલ બાપડા આંહીંની બર્મીને પરણ્યા છે. આજે ઘેર એક સત્તર વર્ષની પુત્રી છે. કોઈ ગુજરાતી એને પરણવા તૈયાર નથી."

"અહોહો ! કેવા મનસુખબાબુ ! કેવી એની વહુ મા-તૈં ! કેવી એ બેઉની દીકરી !" કાકી અફસોસ કરવા લાગી. "બાબુલે ! કોઈ કરતાં કોઈ બાબુને હિંમત નહીં ! ને હિંમત કરે છે તેવાઓમાં કાંઈ માલ નહીં. છોકરાંની કેવી વલે ! માબાપે શા પાપ કર્યાં ? તમારા પિતાએ ડહાપણ કર્યું, બાબુ ! ભલે ચાલ્યા ગયા. પણ હવે તમે ફી..."

"બોલશો જ નહીં, ફયા સુ !" ડૉ. નૌતમે સામા પ્રભુ-સોગંદ દીધા અને મોટર હંકારી મૂકી. આ બાઈનો પિતા વિશેનો પ્રત્યેક બોલ એના દિલમાં ઝણઝણાટી બોલાવતો હતો.

પાળેલા કબૂતર જેવો પ્રશાંત સીનો ધારણ કરીને માંઉ-માંઉ મોટરમાં બેઠો હતો. માર્ગે એક ગલીમાં વચ્ચે રસ્તો રોકી કેટલાક લોકોનું ટોળું બેતમા બની પડ્યું હતું. તેમની વચ્ચેથી મોટરને કાઢતાં ઘણી મુશ્કેલી પડી. ડૉ. નૌતમ ગિયર પછી ગિયર બદલતા હતા, હૉર્ન બજાવતા હતા, પણ રસ્તાના રોકનારાઓને મન એ બધું રોનક હતું. થોડા થોડા ઘુરકાટ પણ ટોળામાંથી આવતા હતા.

"હા..." માંઉ-માંઉ તિરસ્કારથી હસ્યો અને અંગ્રેજીમાં બોલ્યો, "ધેટ ઇઝ અવર મેઇન પ્રોબ્લેમ : એ જ અમારી મુખ્ય મુંઝવણ છે !"

"આ ન જોયા ?"

"કોણ છે એ ?"

"અમારા હિતશત્રુઓ, ઝેરબાદીઓ."

બ્રહ્મદેશીઓના જેવા જ લુંગી-એંજીના લેબાસ, એ જ્ ઢબનું માથે ઘાંઉબાંઉ (માથાબંધણાનો રૂમાલ), અને એ જ ભાષા, છતાં આ યુવાન આમને શત્રુઓ કેમ કહે છે ? "કારણ શું છે?"

"એનાં નાક સામે જુઓ ને અમારાં નાક તપાસો. અમારાં ચપટાં