પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


છે, તેમનાં લાંબાં છે. એના ચહેરામાં જુઓ, અમારા કરતાં ફરક છે. એ અમારા નથી. અમે એના નથી. એ અમારી પ્રજાનું પાપ છે." - માંઉ-માંઉનું અંગ્રેજી ધોધમાર વહ્યું.

ઉત્તેજિત બનેલા માંઉ-માંઉને દવાખાનામાં લઇ જઈને પછી ડૉક્ટરે દવા બનાવતાં બનાવતાં ચર્ચા ચલાવી -

"એ તમારું પાપ કઇ રીતે?"

"આ ઝેરબાદીઓ હિંદના મુસ્લિમ મરદો અને અમારી બર્મી ઓરતોની ઓલાદ છે. તેઓ વર્ણસંકર છે."

"પણ બર્મી સ્ત્રી તો દેશી-પરદેશી કે ઊંચનીચ કોઈ પણ કોમમાં ભેદ વગર પરણે છે - જાપાનીને, ચીનાને, ગુજરાતીને, પંજાબીને, ગોરાનેય."

"એટલે જે કહું છું કે બીજી કોઈ પ્રજા કે જાતિ જોડેનાં લગ્નમાંથી જે કદી નથી નીપજ્યું તે પરિણામ એક ફક્ત આમાંથી જન્મ્યું છે. આંહીં તેઓને બીજું હિંદ ઊભું કરવું છે."

"એટલે ?"

"એટલે કે તમારા હિંદુ-મુસ્લિમ ઝઘડા અને હિંદની બે કોમો વચ્ચેના ભાગલાની બર્મી આવૃત્તિ."

"શા માટે પણ ?"

"બસ, ધર્મ માટે. તેઓનો ધર્મ જુદો બન્યો. બન્યો તો બન્યો, પણ અમારા ધર્મનો વિરોધી બન્યો. છાપાં વાંચો છો કે નહિ?"

"અગ્રેજી છાપાં વાંચું છું."

"બર્મી છાપાં વાંચો. આજે દિલેદિલમાં આગ લાગી છે. સાત વર્ષ પર એક ઝેરબાદી ધર્મપુરુષે એક ચોપડી લખી હતી. એની કોઈને ખબર પણ નહોતી રહી. આજે કોઈક તમારા જ હિંદુ મુસલમાને એ ચોપડી ફરી વાર છપાવી અમારા દેશમાં ફેલાવી છે. અમારાં અખબારો એના પર ઊકળી રહ્યાં છે. અમારા ફુંગી-ચાઉમાં એ વાંચીને સળગી ઊઠેલ છે."