પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ડૉ. નૌતમને પહેલેથી જ એક વાતની ચીડ હતી. કોઈ માણસ એમ કહે કે આ દેશ અથવા આ ગામ તો ખરાવ અને ખટપટી છે, કંજૂર અને નીતિભ્રષ્ટ છે, આ ગામમાં તો ચેતીને ચાલવા જેવું છે, ત્યારે એની ખોપરી ફાટી જતી. પોતે કાઠિયાવાડ-ગુજરાતનાં ત્રણેક સ્થળો બદલાવ્યાં હતાં, છતાં પોતાને કોઈ ગામની બદમાસી નડી નહોતી. જે કાંઈ બદમાસી-બદી હતી તે તો પ્રત્યેક ગામે સર્વસામાન્ય હતી. જે કાંઈ ખાનદાની અને સુજનતા હતી તે પણ પ્રત્યેક ગામની વસ્તીમાં સરખી જ હતી. એટલે પોતાના જ ગામની બદબોઈ કરી ભલું લગાડાવા આવનારાઓને પોતે સખત અવાજે સંભળાવી દેતા: "જે ભૂમિ આપણને સુખેદુઃખે રોટલી રળી ખાવા દે, પાણી પીવા આપે અને રાતવાસો રહેવા દે, જે ભૂમિમાં આપણી રોટીમાં કોઈ ઝેર ભેળવી ન દેતું હોય, પાણીના માટલામાં કોઈ કૉલેરાના જંતુ ન મૂકી જતું હોય, અને ઊંઘવા ટાણે જે ભૂમિ ઓચિંતા ભૂકંપથી આપણને ગળી ન જતી હોય, તે ભૂમિ આપણને સંઘરનારી મા છે. એને વગોવવા હું તૈયાર નથી."

બ્રહ્મદેશમાં આવતાં પણ એમને એ જ અનુભવ થતો હતો. તઘુલાના ઉત્સવમાં ફર્યા પછી એક સોનાચાંદી અને ઝવેરાતના વેપારીએ જ એમને શિખામણ આપેલી કે બર્મામાં બહુ ચેતીને ચાલવા જેવું છે, સાલી બહુ ક્રૂર ને ઘાતકી પ્રજા છે; વિલાસી તો બેહદ છે, ચારિત્ર્ય ખાતે તો મીંડું છે; બેઈમાન બનતાં ને કજિયો કરતાં વાર ન લગાડે. ત્યારે ડૉ. નૌતમ, આ વેપારી પોતાને તેડાવનારાઓ પૈકીના એક અગ્રણી હોઈને, ચૂપ તો રહેલા, પણ એમના અંતરમાં ખેદ થયેલો. છતાં દિલમાં થયેલું હશે કે ભાઈ ! આમ તો એ ભારી પરોપકારી અને હિંદમાં ગાંધીજીની ખાદી વગેરે પ્રવૃત્તિના પોષક છે, વરસોથી અહીં વસવાટ કરે છે, એટલે કાંઈક કડવા અનુભવને કારણે જ ચેતવણી આપતા હોવા જોઈએ. પણ આ રતુભાઈ નામનો યુવાન કંઈ વધુ જાણવા-સમજવા જેવો જણાય છે. એનામાં દાક્તરનું કુતૂહલ જન્મ્યું હતું. એ વણપરણેલો યુવાન દેશની થોડીએક પિછાનને દાવે અહીં પોતાનો માર્ગદર્શક બન્યો હતો.