પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હિંદી શીખવે છે."

"તમને કેમ ખબર?"

"હું અહીં રહેતો ત્યારે મેં જ એને હિંદી શિક્ષક શોધી આપ્યો હતો."

"પિતા એને પોતાની ભાષા ભણાવવાની ફરજ ન પાડી શકે?"

"ફરજ તો બ્રહ્મી સ્ત્રીને કોઈ ન પાડી શકે. પરણે ગમે તેને, પણ સ્વત્વ સાચવીને સ્વમાનથી જીવે."

તે રાત્રિને અધરાત ટાણે નજીકમાં કશોક આકરો કોલાહલ સંભળાયો અને દાક્તર નૌતમના દવાખાને કોઈ ઘંટડી બજાવવા લાગ્યું. બારણું ઉઘાડતાં રતુભાઈ ઊભેલા. સાથે એક લોહીલોહાણ માણસ હતો, નીચે એક ટોળું હતું.

"શું છે?"

"ધા ! ધા !" લોહીલોહાણ માણસ ફક્ત બે જ અક્ષરની બૂમો પાડતો હતો.

"કોણ છે એ ? શું કહે છે?"

"તલૌ, તલૌ," ચીનો બોલતો હતો. રતુભાઈએ સમજ પાડી -

"તલૌ એટલે ચીનો. આ ભાઈ ચીના છે. આંહી સામે જ સોડાલેમન વગેરેનું કારખાનું ચલાવે છે. એની બ્રહ્મી સ્ત્રીએ એને ધા લગાવી છે."

"બ્રહ્મી સ્ત્રી ધા લગાવે ! પતિને !" દાક્તર વિમાસણમાં પડ્યા.

રતુભઆઈએ કહ્યું: " મેં સાંજે જ આપને જે કહેલું તે જ આ બનાવનું રહસ્ય છે. મેં બારીએ ઊભા રહીને નજરોનજર આ નીરખ્યું છે અને કાનોકાન કજિયો સાંભળ્યો છે. ઘણાખરા ચીના આંહીં આવીને જ પરણે છે. વરવહુ વચ્ચે કંઈક વાતમાં તકરાર થઈ પડી. પતિ ધમકાવતો હતો. એટલે સ્ત્રીએ કહ્યું કે, 'હું બ્રહ્મી છું. મને ડરાવી નહીં શકો.' આ કહે કે 'તું મને તારા બ્રહ્મી મર્દો જેવો બાયલો ન ગણતી.' સ્ત્રી કહે કે 'ખબરદાર, બ્રહ્મી મરદોને બાયલા કહ્યા છે તો ! એ તો છે અમારા લહેરી લાલાઓ,