કહેતો નથી. એને વહાલું છે યાંગંઉ નામ. એ નામ એનો શાંતિ મંત્ર છે : શાતિસ્થાપનાનું સ્થાન.
પીમનાથી રજા પૂરી થયે પાછો વળેલો રતુભઆઈ બડભાગી હતો. યાંગંઉની જેટી પર એણે એક અનુપમ દ્રશ્ય દીઠું. કોઈ બડા ગોરાની બ્રહ્મદેશને આંગણે પધરામણી થતી હતી. બર્મા બ્રહ્મદેશીઓનું જ છે અને એ હંમેશાં તેમનું જ રહેશ એવો એક વધાઈનો સંદેશો લઈને આ બડા સરકાર-પ્રતિનિધિ પધારતા હતા, અને બ્રહ્મીજનો એનું જગતમાં કદી કોઈએ ન કરેલું, કોઈને ન સૂઝેલું એવું સ્વાગત કરતા હતા.
બંદરની એ સુવિશાળ જેટીને દૂરથી નિહાળો તો કાળા રંગના કોઈક રેશમે ઢાંકેલી દેખાય. તસુયે ખાલી નહીં. પંચ કે છ પંક્તિઓમાં હારબંધ ગોઠવાઈને સુંદર બ્રહ્મી યુવતીઓ જેટી પર ઘૂંટણ વાળીને બેસી ગયેલી અને એ દરેકે પોતાના જમણા ખભા પરથી જેટીની ભોંય પર પોતાના કાળા પેનીઢક વાળની લાંબી વેણીઓ બિછાવેલી હતી.
આગબોટ આવીને ઊભી રહી. મહાન પરોણાએ પગ મૂક્યો - એ વેણીઓની મુલાયમ બિછાત ઉપર. જીવતા સુંદરી-કેશની જાજમ પર થઈને એ ચાલ્યા. એના કદમોમાં અપ્સરાઓનાં મસ્તક ઝૂક્યાં હતાં. દેવોનેય લોભાવે તેવું એ સ્વાગત હતું.
ઊંડો નિ:શ્વાસ નાખીને રતુભાઈ ખનાન-ટો ચાલ્યો ગયો.
ખનાન-ટો પણ બગડેલો શબ્દ છે. સાચો શબ્દ કાનાં-ટો છે. કાનાં એટલે નદીનો કાંઠો, અને ટો એટલે જંગલ-ગામડું.
પણ ખનાન-ટો એ જંગલ પણ નહોતું રહ્યું, ગામડું પણ નહોતું રહ્યું. સાગરની રાણી ઇરાવદીના પહોળા પટને પર કરી બેક માઈલ દૂર સામે પાર જાઓ, એટલે કિનારે હારબંધ ઊભેલાં ચાલીસ-પચાસ ભૂંગળાં ધરતીના મોંમાંથી ધુમાડા કાઢી આકાશને અપમાનતી ચિરૂટો જેવાં જલી રહે છે. એ ચાલીસ-પચાસ ચોખાની મિલો છે.
એક વખત બ્રહ્મદેશને આંગણે આંગણે આ ચોખાની કમોદ ખાંડનારી પગ-ઢેંકીઓ હતી, તે ટળીને હવે મિલો બની હતી. ગોરાઓની