પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વેણીમાંથી ફૂલો ઉતારીને તેઓએ આ પુષ્પભોગી મૅનેજરના મેજ પર ઢગલા કરી નાખ્યા હતા. હાથમાં તેમણે ખંપાળીઓ લીધી હતી અને ફના (લાકડાની ચાખડીઓ) પર ચડી ચડી તેઓનું એક ઝૂમખું ચાલ્યું જતું હતું. બાફેલા ચાવલને સૂકાવવાની પ્લેટના ઉકળતા વિભાગમાં.

"અને તું મા-પૂ!" રતુભાઈએ એક મજૂરણને જોતાં જ કહ્યું, "તું હજુ જીવતી છે શું? કૂંડી પર કામ કરી શકે છે?"

"નહીં કેમ કરી શકું, બાબુજી!" એ બાઈ પોતાના બાળકને ધવરાવી લઈને પછી ઘોડિયામાં નાખી ચાલતી ઊભી રહી. "ચીનાની મિલમાં કૂંડી પરનું કામ અમે જ કરતી, તો આંહીં શા માટે નહીં?"

"પણ તું રહેવા દે."

"મને કંઈ નહીં થાય બાબુજી, ડરો નહીં."

એમ કહેતી એ કૂંડી પર ચડવા ચાલી.

ઊંચી મોટી મોટી કૂંડીઓ હતી. એક નળ પાણીનો, ને બીજો નળ ૧૬૭ડિગ્રી ગરમી આપતી વરાળનો : બેઉ નળ એ કૂંડીને માથે સંધાઈ જતા. અને એ બંને સર્પોના સંધાઈ ગયેલ મોઢામાંથી કૂંડીમાં ભરેલી કમોદ પર જે ધોધ પડતો તેનું પાણી -પાણી કહેવાય કે ઊકળતો ધાતુરસ ! - એ તો લાવા હતો લાવા.

બેતાળીસ કલાક સુધી આ લાવામાં કમોદ બફાતી. પછી એ લાવારૂપ પાણીને નીચેની જાળી વાટેથી બહાર કાઢી નાખતા.

એ પાણી પાસે ઊભા રહેવું. એ રૌરવ નરકમાં વાસ કરવા જેવું હતું. પાણી બદબો મારતું, બદબો અસહ્ય હતી.

એ બદબો બ્રહ્મી મજૂરો નહીં, પણ હિંદના ઊડિયા મજૂરો ખાતા.

બેતાલીસ કલાકના ૧૬૭ ડિગ્રી ગરમ જળ-લાવામાં બફાયેલ એ કમોદના ધાનને સૂંડલે સૂંડાલે બહાર કાઢતા આ ઊડિયા મજૂરો - આ ઓરિસાનાં હાડપિંજરો.

બરમાઓની એ મગદૂર નહોતી, સુકુમાર બ્રહ્મી સ્ત્રીઓ એ