પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કૂંડીઓથી દૂર નાસતી.

બાળક ધવરાવીને આ એક જ બ્રહ્મિણી કૂંડી પર ચાલી ગઈ અને રતુભાઈ દિલમાં ગભરાતો ગભરાતો પાછો વળ્યો.

બ્રહ્મી નારી કૂંડી પર ચડીને એના કઠોડા ઉપર દેહ ઝુકાવતી હતી તે રતુભાઈ એ એક વખત જોયું હતું. અને દિલ ધડક્યું પણ હતું. કઠોડો જાહલ થઈ ગયો હતો, શેઠિયાઓને કેટલીય વાર કહ્યું હતું, પણ રિપૅર કરાવશું, કરાવશું એમ કહ્યા કરતા હતા.

તોબાહ તો છે આ બરમા મરદ મજૂરોથી : ડંકા પડી ગયા છે તોય હજુ બેઠા છે લિજ્જતથી, અને ચીપિયા લઈ લઈ દાઢી મૂછના વાળ ચૂંટી રહ્યા છે!

"પણ ત્યારે તમને દાઢી મૂછ મૂંડાવતા શું થાય છે?"

પોતાના આ પ્રશ્નનો જવાબ રતુભાઈને બહુ ભારી પડ્યો: "અરે બાબુ, ઠોંડા વાગે છે."

"વાગ્યાં હવે."

"પૂછો અમારી સ્ત્રીઓને, તેમને વાગે છે, અમને નહી."

"છેને નાગા !" એમ કહેતો મૅનેજર અંદર ચાલ્યો ગયો. બ્રહ્મી મજૂરોને બહુ છેડવામાં જોખમ હતું. અમુક સંખ્યા-પ્રમાણમાં તેમને દરેક કારખાનામાં રાખવાનું કાયદાથી ફરજિયાત હતું. કજિયા માટે બ્રહ્મી મજૂરો સદા સજ્જ હતા. ધા તો તેઓ પણ ધારણ કરતા, ધા અને બેતારો: બંને સાથોસાથ. બેતારો તેમનું વાદ્ય હતું, બેતારા પર આંગળીઓ ઝંકારત તેઓ કારખાનામાં પણ ગીતડાં આરડાતા. એને ગીતો ગાવા કેમ કહેવાય? ગીત તો હતી નારીના કિન્નર-કંઠની પેદાશ. આ તો બરાડતા. તેમને માંડ પટાવીની કામે લગાડવા પડતા.

પાણી કાઢી નાખેલ કૂંડીઓમાંથી સૂંડીએ ભરી ભરીને ઊડિયા દોડ્યા આવતા હતા, કમોદને ઊંચી મોટી કોઠીમાં ઠાલવતા. કોઠીઓની વચ્ચોવચ્ચ વળી પાછી સ્ટીમ-પાઇપ સણસણતી હતી. એ કોઠીઓ કૂંડીમાં બફાયેલ કમોદ પર ઓર એક બાફણ-ક્રિયા અજમાવતી.