પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શિવો માણાવદરી

ક્વચિત્ કવચિત્ આવા 'અકસ્માત' બાદ કરતાં જોહરમલ-શામજીની ચાવલ મિલ રોજિંદા રવૈયા મુજબ શાંતિથી ચાલ્યા કરતી. ઇરાવદીમાં પાણી-લાઇન વાટે ત્રણ ત્રણ હજાર મણ કમોદની ગીગ (મોટી હોડીઓ) આવતી, આઠસો-નવસો મણ કમોદવાળી સંપાનો (નાની હોડીઓ) આવતી. નદીકાંઠે એ ખરીદવાને તોલ કરવા માટે શેઠના ગુજરાતી મહેતાઓ નાની એવી ઝૂંપડીઓમાં બેસતા, કાળા રેશમની ચોરણીઓવાળા ચીનાઓ અને લાંબા લાંબા ચોટલાવાળા આંતરપ્રદેશના બ્રહ્મી લોકો સાથે તોલના ધમરોળ મચતા, ખાસ પઢાવી રાખેલા ચાર મજૂરો તોલમાં કસ કાઢતા, તો વેચનારાઓ કમોદમાં ભૂસાં ખડકીને મિલના શેઠિયાઓનો સામો કસ કાઢવા મથતા. પોતાના શેઠિયાઓને આવો લાભ કરી આપવા માટે આ લોકો જાનનાં પણ જોખમ ખેડતા કાઠિયાવાડી જુવાનો સસ્તામાં મળી જતા. દિવસભર ઢાંઈમાં (નદીકાંઠાના ઘાટ, જ્યાં કમોદના વહાણ વેચવા આવતા) બેઠાં બેઠાં તોલ કરીને રાતના બે વાગતાં સુધી એ જુવાનો નામાં પણ ઢસડાતા, અને એવી નીમકહલાલીની નોકરી બજાવવાની ચોવીસેય કલાકની અનુકૂળતા માટે મિલોમાં જ શેઠિયા બાસા રખતા. બાસા એટલે રસોડાં.

જૌહરમલ-શામજી રાઇસ મિલ કાઠિયાવાડી જુવાનોને માટે ભાંગ્યાના ભેરુ સમાન હતી. આગલી નોકરીમાંથી રખડી પડેલો શિવશંકર ઠીક ઠીક રઝળ્યા પછી આંહી ત્રણ મહિનાથી ઉમેદવારીનું કામ કરતો હતો. જમવાનું શેઠ તરફથી મિલમાં ચાલતા બાસામાં હતું. એના પગારદાર સાથી બાબુઓ પાંચ-સાત હતા. તેમના પગાર પંદરથી લઈ ત્રીસ સુધી હતા. તેમની હજામત, કપડાં, ધોલાઈ ને ખોરાકી શેઠને શિર હતાં. તેઓ ચોવીસેય કલાકના નોકર હતા, કારણ કે તેમને રહેવાનું જ મિલમાં હતું.