પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્રણ મહિને શિવશંકર શેઠ આગળ પગારના નિર્ણય માટે ખડો થયો.

"આમ તો તમારું નામું ઘણું કાચું છે," શામજી શેઠે છેવટે નક્કી કરતી વખતે કહ્યું, 'પણ હવે બીજે ક્યાંય તમારો ટેટો બાઝતો નથી, તો અમે રૂપિયા બાર દેશું."

"અરે શેઠ ! ભાઈસાહેબ ! " શિવશંકરનું પાણી ઊતરી ગયેલ હતું. "ત્રણ મહિનાથી હું ઘેર માને દસ રૂપિઆ મોકલી શક્યો નથી. કાંઈક મહેરબાની કરો. બે વરસનો તો હું અહીં અનુભવી છું."

"ઠીક જાવ, પંદર આપશું, વધુ આપવાનું તો ધોરણ જ નથી."

ધોરણનું કામ પાકું હતું.

વીર વર્ષ પર આ શામજી શેઠ મૅટ્રિક સુધી ભણીને બ્રહ્મદેશ આવેલા ત્યારે તેના શેઠિયા ગાડી લઈને તેમને બંદર પર જાતે લેવા આવેલા. અત્યારે હવે જમાનો બદલી ગયો હતો. કાઠિયાવાડમાં કેળવણી અને બેકારી બંને બહેનપણાં સાધીને આગાળ દોડતાં હતાં. રંડવાળ માતાઓએ ઉછેરેલા અને જ્ઞાતિજનોએ છાત્રાલયો કરી કરીને ભણાવેલા છોકરાઓ છઠ્ઠી અંગ્રેજી અથવા મૅટ્રિક સુધી પહોંચીને પછી માનું છાણવાસીદું પડ્યું મુકાવવાની લાગણીથી અને એકાદ બૈરી પરણવાની મહેચ્છાથી આફ્રિકા-બર્મા તરફ ટોળાબંધ દોટ મૂકતા. બ્રહ્મદેશમાં બાબુઓ સસ્તા બન્યા હતા. થોડું અંગ્રેજી જાણનારાઓની પ્રાપ્તિ દસ વર્ષ પર આકરી હતી, હવે તે સહેલી બની હતી.

બે વર્ષ પર શિવશંકર આવ્યો ત્યારે માંડ વીસ વર્ષનો હશે. જૂનાગઢની એક બ્રાહ્મણ બોર્ડિંગ છોડીને એ પહેલવહેલો પોતાને ગામ માણાવદરમાંથી ગાડીમાં બેઠો, ત્યારે એની દશા માતાનું ધાવણ છોડતા શિશુ સમાન હતી. નાનપણે ધાવણ છોડાવતાં માએ જેમ છાતીએ કડવાણી ચોપડી હતી, તેમ સ્ટેશન પર વળાવવા ટાણે પણ માએ કડવા બોલ સંભળાવ્યા હતા : "ત્યાં જઈને પાછો રઝળતો નૈં અને જતાંવેત ખરચી મોકલજે. પગાર આવે તી પાછો ઉદાવી દેતો નૈં, ને ભાઈબંધુને