પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એવા એક આફ્રિકા જઈ રહેલ મિત્રથી વીરમગામ સ્ટેશને જુદો પડેલો શિવશંકર બ્રહ્મદેશ પહોંચ્યા પછી પહેલો પત્ર માને નહીં, પણ મિત્રને લખવા બેઠો હતો.

સ્નેહી સુહૃદ આત્મીય.... ભાઈ!

પત્ર મળ્યો. વાંચ્યો; જે આનંદ અને સંતોષ અનુભવ્યા તેનું વર્ણન નહીં જ થાય. ફરી પણ એ આશાએ પ્રતિપત્ર પાઠવું છું ને માનું છું કે આશા નિષ્ફળ નહીં જાય. છેવટ સુધી એ આશા રાખીશ, કારણ કે 'આશા એ તો મધુર-કડવો અંશ છે જિંદગીનો!; એની સફળતા તમારે હાથ છે.


લિ. તારો શિવ.


આનાથી જુદી જ ઢબે બાને કાગળ લખ્યો. તેમાં આશાની મધુરી કડવાશ કે એવું કાંઇ નહોતું. હતું નક્કર નિર્દય વાસ્તવ-

... ભાઈએ પૈસા આપ્યા હશે. ન આપ્યા હોય તો મંગાવી લેશો. હમણાં તો હું ખાસ મોકલી શકું તેમ નથી. પગાર ફક્ત વીશ થયેલ છે... કોઈ જાતની ફિકર ચિંતા કરશો નહીં... ભાઈને ત્યાં ભાભીને વંદન તથા છોકરાંને સંભાર્યાનું કહેજો અને પ્યાર કરશો. નીમુ ભાભીના ઘરમાં બધાંને સંભાર્યાનુ કહેજો. નાની તથા મોટી ભાભી અને કાકીને યાદ કર્યાનું ને વંદન કહેજો. એ જ. જે સંભારે તેને સંભાર્યાનું અને શારદુબેનને ઘટિત લખજો.


લિ. છોરુ શિવો.


ટોળટિખળ પણ સુહૃદો પરના પત્રવ્યવહારમાં જ ટપકતાં -

સુહૃદ ધીરેન્દ્ર !

પત્ર મળ્યો. વાંચ્યો, એક વાર નહીં પણ અનેક વાર. કાંઈ વૈવિધ્ય કે વૈત્ર્ય તો નહીં હતું છતાંય મારે માટે આકર્ષણ હતું જ.

પેલો હડમાન, દેવેન્દ્ર જટાશંકર બાબરાવાળો, અહીં છે. અચાનક જમણ વખતે ભેટો થઈ ગયો. ક-ક-ક કેમ છે? પૂછી જોયું હતું. વ-વ-વ વીરાણીનો પત્ર છે?

લિ. તારો શિવ.