પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બા પરનો તે પછીનો એક પત્ર -

પૂજ્ય તીર્થસ્વરૂપ માતુશ્રી,

આફ્રિકાથી વિનુનો કાગળ છે. તમને યાદ કરે છે. અને હું અને તે, બંને એક થાળીમાં સાથે બેસીને જમતા હોઈએ અને તમે જમાડતાં હો તેવાં સ્વપ્નાં દેખે છે, અને એવો અવસર ફરી ક્યારે આવે તેની રાહ જુએ છે.


લિ. છોરુ શિવો.


પણ જૂના શેઠની નોકરી છોડ્યા પછી બે મહિના પત્ર વ્યવયાર કરવાની 'સો' (તાકાત) જ ક્યાં હતી ! એ તક ફરી વાર છેવટે ભાંગ્યાના ભેરુ જૌહરમલ-શામજીની ચાવલ મિલમાં આવ્યા પછી મળી -

પ્રિય સુહૃદ ભાઈ વિનયભાઈ,

તા. ૭ નો પત્ર એક મહિને મળ્યો. ઘણા સમયથી વિચારતો હતો કે ક્યારે આવે? આવ્યો ત્યારે ઑફિસનું કામ પણ વેગળું મૂકીને વાંચવાની તીવ્ર વૃત્તિને આદર આપ્યો.

વાંચીને ઘણાયે વિચારો નજર સામે તરવરવા લાગ્યા. કૅશમાં એકાદબે ભૂલો કરીને પણ સુધારી. ઘણાયે વિચારો આવે છે ને શમી જાય છે. હું-તું-બાવલો વગેરે ઘણાં ઘણાં જુદાં સ્વરૂપો નજરે તરે છે. તેમાં બર્મા, આફ્રિકા, કાઠિયાવાડ, રંગૂન, કીયુમુ ને માણાવદરમાં હું, તું, મિત્રો, સંગાં, ભાઈ, ભાભી વગેરેનો એકસામટો વિચાર-ખીચડો મગજમાં બડબડાટ કરે છે... અને પાછો શાંત થાય છે.

હમણાં થોડો વખત થયાં મગજ શાંત નથી. અનેક વિચારો ઘોળાયા કરે છે. તબિયતનું પણ ઠેકાણું નથી. ક્યાંથી હોય?

નિયમિતતાનું તો નામ જ નહીં. ક્યારેક ખુરશી પર આખો દિવસ કામ કરવું પડે તો ક્યારેક આખી રાત. અને ઑફિસનું કામ તો ડ્યૂટી મુજબ કરવાનું. નહીં મળે ફરવાનું કે હરવાનું. બધુંય આ મિલમાં જ. બધામાં અમે સાત ગુજરાતીઓ, બાબુ લોકો કહેવાઈએ, પણ બધાએ ચોવીસ કલાકની ડ્યૂટી ભરવી જોઈએ. કારણકે બધું મિલમાં જ, બહાર જવાનું નહીં. એક જેલ જેવું છે. કોઈને માટે નિયમિતતા રહી નથી.