પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નિવેદન
[પહેલી આવૃત્તિ]

'ફ્યા લારે' (પ્રભુ પધાર્યા): દેવ આવ્યા: એ બરમા લોકોની સ્વાગતવાણી છે. સકળ હિંદીવાસીઓમાં વધુ પ્રિય એવા ગુજરાતીઓને તેઓ આ વાક્યે સત્કારે છે; મતલબ કે ગુર્જર-બરમા પ્રજાના સંસ્કાર-સંપર્કને આલેખતી આ વાર્તા છે.

1942ના વર્ષમાં બ્રહ્મદેશથી હિંદવાનોની જે હિજરત થઈ તે ઈતિહાસમાં અપૂર્વ બની ગઈ છે. એ હિજરતનાં જ પ્રસંગ-ચિત્રો એકત્રિત કરીને પુસ્તકાકારે આપવા ઉમેદ જન્મી હતી.

પછી થયું કે આ સંકલ્પ દુઃસાધ્ય છે; વધુ આલેખવાને પાત્ર તો ઇતર પ્રાંતોની પ્રજાઓ સાથેના ગુજરાતી પ્રજાના સંપર્ક-સંઘર્ષો છે. ગુજરાતીઓ મહારાષ્ટ્ર ને સિંધ, બંગાળ ને મદ્રાસ, બર્મા ને આફ્રિકા, બધે જઈ પેઢાનપેઢીથી વસે છે; તે છતાં તેમના અને સ્થાનિક પ્રજાના સહચારમાંથી પ્રકટતું સુવિશાલ જીવન કલામાં, સાહિત્યમાં કે ચિત્રપટમાં ઊતરતું નથી એ એક મોટી ખામી છે, અને એક પહોળા સાહિત્યપટને ગુમાવી દેવા બરોબર છે.

આ વિચારે મન પરની પકડ વધુ મજબૂત બનાવી, અને મન ઉપર બ્રહ્મદેશમાંનું ગુજરાતી પ્રજાજીવન પહેલો કબજો લઈ બેઠું. કારણ એ બન્યું કે મારાં કેટલાંક અતિનિકટનાં આપ્તજનો બ્રહ્મદેશનાં ચિરનિવાસીઓ હતાં; તદુપરાંત ત્યાં લાંબો કાળ રહી આવેલા તેમ જ છેલ્લી હિજરતમાં મણિપુર માર્ગે નીકળી આવેલા કેટલાક ભાઈઓનો સમાગમ થયો. આ ભાઈઓમાં નોંધપાત્ર સ્તુત્ય વસ્તુ જે લાગી તે બ્રહ્મદેશની સંસ્કારિતા પ્રત્યેની તેમની લાગણીભરી દૃષ્ટિ હતી. આંહીં