પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"કેમ ?"

"એ લોકો એની પુત્રીને પોતાનો મચ્છીનો ખોરાક ખવરાવે છે. મને પસંદ નહોતું."

"પણ એને પોતાને પસંદ હતું કે નહીં ?"

"ના, એ પણ હવે તો મચ્છીને ધિક્કારે છે."

"ધર્મ?"

"ધર્મ બાબત મેં એની સ્વતંત્રતા સ્વીકારી છે. એ છૂટથી ફ્યામાં જાય છે."

"તું સાથે જાય છે ખરો?'

"ના."

"ત્યારે હું કહું છું કે તારે એની સાથે ફયામાં જવું જોઇએ. બુદ્ધ ભગવાનનાદેવળમાં આપણે શા સારુ ન જવું?"

"હવેથી જઈશ."

"ખેર, હવે એક નાજુક પ્રશ્ન પૂછું. તું એને ઓઝલ પળાવે છે?"

"ના."

"લાજ કઢાવે છે?"

"ના."

"તો એ પાછલા કમરામાં કેમ પેસી ગયા?

"એની જાણે જ. એને એક કડવો અનુભવ થયો છે."

કડવો અનુભવ! રતુભાઈના પેટમાં ફાળ પડી. કોઈ મિત્રની મેલી ચલગતનો અનુભવ હશે!

"મારા કેટલાક સગાસંબંધી બ્રાહ્મણો આંહી આવી પહોંચેલા. તેમણે મારી સ્ત્રીની હાજરીમાં જ મને ગંદા વેણ સંભળાવ્યા, કે તું વટલી ગયો, ભ્રષ્ટ થયો, બ્રાહ્મણ દેહને નષ્ટ કર્યો; હવે તું જોઈ લેજે, તારી છાંટ સરખી તો અમે નહીં લઈએ, પણ તું મરશે તો તારા શબને ઉપાડી અગ્નિસંસ્કાર કરવા પણ અમે નહીં ડોકાઈએ. ભલે પછી આ તારી બર્મી મઢ્યમડી તારા મડદાને ઘરમાં સાચવીને તારી પાછળ મહેફિલો