ઉડાવે વગેરે વગેરે."
"આની હાજરીમાં બોલ્યા?"
"હા.
"આને એમાં શી સમજણ પડી?"
"એણે હિંદી શીખી લીધું છે."
"શું કહે છે!"
"સાચું કહું છું. મને ગાળો દઈને એ બધા મારું સ્નાનસૂતક કાઢતા હોય એ રીતે ચાલ્યા ગયા. ત્યાર પછી મારી સ્ત્રી ગુજરાતીઓથી ડરે છે. એમનાથી મોં છુપાવી રાખે છે."
"મારે તો તારી સ્ત્રીને અભીનંદન દેવાં હતાં."
"ફરી વાર તમે આવશો ત્યારે એ નહીં છુપાય. હું એને સમજ પાડીશ."
"મને તો બીજું કંઈ નથી, પણ એણે એક ગુજરાતીને પરણવામાં કમનસીબ ભૂલ કરી છે એવી અસર ન જ રહેવી જોઈએ. એણે ગુજરાતી પોશાક ધારણ કર્યો લાગે છે."
"હા"
"તે પણ આપખુશીથી?"
"હા, એને આપણો છૂટો ઘેરદાર પોશાક બહુ ગમે છે."
"પણ એના બ્રહ્મી સંસારમાં જે ઉચ્ચ તત્વ, સ્ત્રીની પુરુષ સમોવડી કક્ષાનું જે તત્વ છે તેને આપણે નષ્ટ ન કરવું - ન થવા દેવું જોઇએ. પુરુષોથી અણદબાતી, પુરુષોને ખખડાવી નાખતી, પુરુષની ગુલામીને બદલે આપખુશીથી પુરુષોની સેવા કરતી બ્રહ્મી નારી ગુજરાતી બનવામાં ગર્વ ધરે તેવું કરવું જોઈએ. આપણા ઘરમાં આવીને એને અમુક સ્વતંત્રતા ગુમાવવી કે જતી કરવી પડી છે તેવું તો એના અંતરમાં કદાપિ ન આવવું જોઇએ."
"આંહીં કોઈ ગુજરાતી રહેતું નથી. ચોપાસ બ્રહ્મદેશીઓ જ છે, અને તેમનામાં એ છૂટથી જાય-આવે છે."