પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


"પણ તું એની જોડે ફ્યામાં તો જરૂર જતો રહેજે. હું ફરી વાર આવીશ."

"હું તમને જરૂર તેડી લાવીશ."

"તારે કોઈથી શરમાવું નહીં. તેં લેશમાત્ર બૂરું પગલું ભર્યું નથી. તને ગાળો ભાંડનારાનો દોષ નથી."

"તેમાંના બે‌-ત્રણ જણ તો ગરમીના ગુપ્ત રોગના ભોગ થઈ પડ્યા છે."

રતુભાઈને હસવું આવ્યું. તેમણે કહ્યું: "બીજું શું થાય!"


ઝેરનું જમણ

તુભાઈ પાછો આવીને જ્યારે બાસામાં જમવા બેઠો ત્યારે એને ત્રાસ છૂટી ગયો. ખાદ્ય પદાર્થોનાં દુર્ગંધ અને કુસ્વાદ તે દિવસે હદ વટાવી ગયાં હતાં. ચોખ્ખું વેજિટેબલ ઘી, હલકામાં હલકી સોંઘી દૂધીનું શાક, રબ્બરની બનાવેલ છે કે આટાની તે નક્કી ન થઈ શકે એવી તેલે તળેલી પૂરીઓ: ખાધા વગર જ એ ઊઠી ગયો અને એણે પોતાના પાંચ ગુજરાતી સાથીઓને પહેલી જ વાર કહ્યું: "તમે બધા હદ કરો છો. આ રસોઈ તો ઢોરના પેટમાં પણ રોગ પેદા કરે તેવી છે. તમે આ કેમ કરીને આરોગો છો?"

"શું કરીએ?" ફિક્કાંફચ મોઢાં માંડ માંડ બોલ્યાં: "બપોરે ઢાંઈ (નદીના ઘાટ કે જ્યાં વેચાવા આવતી કમોદની ખરીદી થતી) ઉપર તો અમને ચા અને આવી પૂરીનું જમણ પહોંચાડે છે. કાળી ગરમીમાં એ ખાઈને અમારે ખરીદીની ધડાપીટ કરવી પડે છે. કોને કહીએ?"

"શેઠિયાઓને."