પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


હશે. પિતાની જોડે આવી વાતો કરતી હશે, આવું જ માધુર્ય રેલાવતી હશે, આવી જ નિછાવર બનતી હશે. હું જો આ ઢો-સ્વેનો જ પુત્ર હોત, તો શું વધુ સારો, વધુ રૂપાળો, વધુ સુકુમાર ન બન્યો હોત! પિતાનાં છાનાં હૃદયસંવેદનોને નૌતમ પોતાના અંતરમાં અનુભવી રહ્યો. એનું દિલ એકલું એકલું બોલવા લાગ્યું:

'પેટે પાટા બાંધીને પણ બચત કરી પોતાના દેહ શણગારવા વસાવેલાં આભરણોને બ્રહ્મી રમણીઓ પારકા બાળક પર ન્યોછાવર કરતી. બાળકને લાડ લડાવવામાં જે અગાધ સુખની પળો તેમને સાંપડી જતી તેને મુકાબલે સોનાં-હીરા શા હિસાબમાં હતાં ! ને બાળક સમ અમૂલ્ય નિજ આભરણને પૃથ્વીકોટે પહેરાવતા ફ્યાજી (પ્રભુ) પોતે જ શું ઉડાઉ નહોતા? બ્રહ્મી નારીઓના કંઠની અવ્યક્ત વાણીને ઉકેલીએ તો આવા કોઈક ભાવો એમાં રમતા લાગે.

હેત અને નિછવરપણાની આ છોળો બ્રહ્મી નારીને હૈયે કોણે મૂકી? હજાર ખોળલાવાળી જળભરપૂર ઇરાવદી નદીએ? ટીંબરનાં ને ઘાસના અઢળક જંગલો વેરનારી સભરભર વનશ્રીએ? કમોદના અગણિત પાક આપતી વસુંધરાએ? કે બુદ્ધ ભગવાને ?

'ફ્યાને માલૂમ!'


હુલ્લડ

ગામેગામની ફુંગી-ચાંઉ ખળભળી હાલ્યા હતા.

ફ્યાજીનાં મંદિરો ફરતાં પાંચ-પાંચ દસ-દસ મઠોનાં ઝૂમખાં આવેલાં હતાં. પ્રત્યેક મઠમાં ફુંગીઓની મોટી સંખ્યા રહેતી. પીતવસ્ત્રધારી, મુંડન કરાવેલા, કરાલકાલ ફુંગીઓ.