પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવમૂર્તિઓના દેહ પર બ્રહ્મદેશીઓ સોનારૂપાનાં જે પતરાં ચોડતાં એની માલિકી ફૂંગીઓની હતી. એ સાધુઓ રેલવે વાહનોના વ્યવહાર કરી શકતા, પૈસાટકા રાખી શકતા, મનગમતી વસ્તુઓ ખરીદી શકતા, શાસ્ત્રાભ્યાસની માથાકૂટમાં ઝાઝા ઊતરતા નહીં, ઇન્દ્રિયસુખો પ્રત્યે ઝાઝી સૂગ રાખતા નહીં. શ્રદ્ધાળુ પ્રજા એમને ગમતી, જ્ઞાનવિદ્યામાં અનુરક્ત ફુંગીઓ હતા, પણ પ્રમાણમાં ઘણા થોડા.

બર્મી છાપાં તેમણે વાંચ્યાં હતાં. સુરતના કોઈ પટેલ નામે હિંદી મુસ્લિમે પ્રકટ કરાવેલી સાત વર્ષ પૂર્વેની એક ચોપડી તેમની પાસે પહોંચી ગઈ હતી. એ ચોપડીમાં ફુંગીઓના આચારવિચારો પર કાતિલ રોશની છંટાયેલી હતી. પણ તેની સામે ઇસ્લામનું પ્રતિપાદન હતું. હિંદમાં 'રંગીલા રસૂલ' લખનારની જે વલે થઈ હતી તે કરતાં ઘણી વધુ ભયંકર ખાનાખરાબી આ લેખકે-પ્રકાશકે અહીં પોતાની કોમને માથે નોતરી. ફુંગીઓના પ્રકોપની પ્યાલી છલકાઈ પડી.

યાંગઉં નગરમાં ફુંગીઓનું રોષ-સરઘસ નીકળ્યું અને નગરવાસીઓમાં હાલકલોલ મચી ગઈ. જીવતી મશાલો જેવા સાધુઓએ નેવે નેવે આગ લગાડી. ધર્મનીનિંદા, પ્રભુ બુદ્ધ પંથની બદબોઈ: બાળક બ્રહ્મી પ્રજા એ બદબોઈની બરદાસ્ત કરી ન શકી.

ફુંગી-સરઘસનો રસ્તો રૂંધતી સરકારી પોલીસમાંથી એક ગોરા સાર્જન્ટનું ખૂન થયું.

આખા દેશવ્યાપી કોમી સંહારને મંજૂર રાખતી લીલી ઝંડી રોપાઈ ગઈ. લાંબા કાળથી એકત્ર થયેલા દારૂખાનામાં દીવાસળી ચંપાઈ ગઈ.

"જ્યાં દેખો ત્યાં મુસ્લિમોને અને ઝેરબાદીઓને કાપી નાખો!" કોઈક અનામી હાકલ પડી. "ન જોજો ઓરતો, બાળકો કે બુઢ્ઢાઓ."

-અને હજારો તાતી ધા ઝેરબાદીઓ તેમ જ બ્રહ્મીઓની બગલોમાંથી ઉછળી પડી. નગરે, ગામે, ગામડે; મોલમીનથી માંડલે લગી મચ્છી કાટનારી ધાએ માણસોને રેંસ્યાં.

"બિનમુસ્લીમને અડકશો નહીં." એ હતો બ્રહ્મીઓનો આદેશ.