પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

- કોઈ પક્ષી ઊતરે તેમ આવીને નીચે ઊભી રહી ને આડા હાથ ધરીને બોલી:

"તિખાંબા ફયા ! તિખાંબા !" (શાંત થાઓ, પ્રભુ ! દયા કરો !)

પરિચિત સ્વર કાને પડતાં જ ફુંગીનો ધસારો તૂટી પડ્યો. એ ચમક્યો, "કોણ..."

"હાઉકે માંઉ !" (હા એ જ, ઓ માંઉ !)

’માંઉ’ એ શબ્દે રતુભાઈને પણ સ્મરણ-દ્વારે જાણે ઘંટડી રણકાવી.

ફુંગી જોઈ રહ્યો. આ સ્ત્રી ! ગુજરાતી સાડીનું અંગઓઢણું, છૂટી વેણી, કપાળે કંકુનો ચાંદલો : આ કોણ ? મોં બર્મી, વાણી ઇરાવદીના અંતસ્તલમાંથી ઊઠતી હોય તેવી, અવાજ બ્રહ્મદેશના પ્યારા પુનિત ઢાંઉ (મયૂર) શો મીઠો, નાક ચીબું, છાતી સપાટ, આ કોણ ?

ફુંગીની ધા નીચી ઢળી.

"એમને પ્રથમ ઊભા કરો, કો-માંઉ ! એ મારા પતિ છે." સ્ત્રીએ ચગદાતા પડેલા શિવશંકર તરફ આંગળી ચીંધાડી.

પણ રતુભાઈ શિવશંકરની નજીક પહોંચી ગયો હતો. એની મદદથી ઊભા થતા શિવશંકરે હર્ષાવેશમાં કહ્યું : "રતુભાઈ, તમે ! પહોંચ્યા !"

રતુભાઈ નામ સાંભળીને સ્ત્રીએ પોતાની સાડી સંકોડી. પતિએ વાતો કરી હતી. એક વાર આવેલ ત્યારે દીદાર પણ કર્યા નહોતા. ફરી આવવાનો હતો. અત્યારે વખતસર આવ્યો છે !

"હવે તમે એકલા આંહી આવો, ફયા !" સ્ત્રીએ ફુંગીને કહ્યું,

"અને પછી જેને શોધો છો તેને લઈ જજો."

ફુંગી વેશધારી માંઉને રતુભાઈએ નિહાળ્યો. યાદ આવ્યું : આ તો પીમનાવાળી સોનાં કાકીનો પુત્ર, ’ઢો ભમા’ તખીન પક્ષનો અનુયાયી, તે રાત્રીએ ડૉ. નૌતમને ઘેર દીઠેલો તે યુવાન ! આંહી ક્યાંથી ! ફુંગી ક્યારે બન્યો ! એને આ સ્ત્રી ક્યાંથી ઓળખે ?

ટોળું પોતાની મેળે જ જરા આઘે ખસી ગયું. ફુંગી, શિવશંકર