કરડા મોં પર પહેલી જ વાર કુમાશની ટશરો ફૂટી.
"ને જરા વધુ થોભો," કહીને એ અંદરથી બે જણાંને બોલાવી લાવી. ચટગાંવના મુસ્લિમ અલીને અને એની બર્મી ઓરતને.
"આનીયે વંદના સ્વીકારો, ધર્મપાલ ! ને નિહાળો, એનાં મોં પર છે કોઈ કોમ કે પંથ ?"
"જાણું છું." ફુંગી બોલ્યો, "આ કલાકાકા અજે દીનતાની મૂર્તિ છે, પણ એ આંહીં એનું રક્તબીજ મૂકતો જશે - ઝેરબાદી બાળરૂપે. એ આજ અમૃત હશે. કાલ એની ઓલાદ વિષબિંદુ બની આપણા જીવતરમાં રેડાશે. તમારું સ્ત્રીઓનું સ્નેહ-સ્વાતંત્ર્ય તમને આજે પ્રિય છે. મને દેશનું દેહસ્વાતંત્ર્ય સર્વોપરી લાગે છે."
"આપણા વચ્ચેનો એ મતભેદ : એ પર જ આપણે છૂટાં પડ્યાં."
"આજે પણ એ ભેદ પર આપણે વિદાય લઇએ. હું તો એ પાપને ઉચ્છેદવા જ જીવીશ ને મરીશ."
"કબૂલ છે. પણ જલ્લાદગીરી કરીને ઉચ્છેદી શકશો ? પાંચને કાપશો, પચીસને, પાંચસોને...કેટલાને ?"
"વાતો નકામી છે. પણ આજે હું હાર્યો છું. રજા લઉં છું."
કહીને ફુંગી હેઠે ઉતરી ગયો. ટોળાને દૂરદૂર દોરી ચાલ્યો ગયો. ગડગડતા જતા વાદળા જેવું લોકવૃંદ 'ઢો ભમા'ની ગર્જનાને ક્યાંય સુધી પાછળ મૂકતું ગયું.
તે પછી શિવશંકરની સ્ત્રીએ મુખવાસનો દાબડો લાવી, ઘૂંટણભેર થઈ, નમીને રતુભાઈની સામે ધર્યો. રતુભાઈની મીટ હજુ નાનકડા બાળક પર ઠરી હતી. એ શિવશંકરને કહેતો હતો : "આને ગુજરાતી બનાવવો છે, કે બરમો ?"
"બરમો."
"ના, એ બાબુ જ બનશે." સ્ત્રી મીઠે કંઠે બોલી.
"પણ એને કોઈ ગુજરાતી દીકરી નહીં દે !"
"પચીસ વર્ષ પછી પણ ?" સ્ત્રી હસી.