પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


કરું છું હું તો." શિવશંકરે પત્ની સામે જોયું.

"ત્યારે તો તું ખરો બરમો બન્યો. ક્યાંઈક ધંધો મૂકી દેતો નહીં."

"શા માટે નહીં? આ રળવા માંડે એટલી વાટ જોઉં છું !"

"કાંઈ ધંધો માંડેલ છે?"

"હા, એની માનું હાટડું સંભાળશે. પછી તો મારે નિરાંતે ઊંઘવું છે. બેઠા બેઠા લાંબામાં લાંબી સલૈ (ચિરૂટ) ચૂસ્યા કરવી છે. હિંદમાં તો હેરાન થઈ ગયા. રળી રળીને એકલા તૂટી મરીએ. સ્ત્રી આપણે પૈસે શણગારો કર્યા કરે ને છોકરાં જણ્યાં કરે. મોતની ઘડી સુધી કોઈ દી હાશ કરીને બેસવા ન પામીએ. હું તો ભાઈસા'બ, એ હિસાબે ન્યાલ થયો છું!"

"એ તો ઠીક, પણ આ બેઉને તો હવે ઠેકાણે પહોંચતાં કરો!" રતુભાઈએ હેબતાઈ ગયેલા અલી અને એની બર્મી સ્ત્રી વિશે કહ્યું.

"નહી," શિવની સ્ત્રીએ કહ્યું, "એ વધુમાં વધુ આંહીં જ સલામત છે. અમે બેઉ બર્મી સ્ત્રીઓ છીએ. આસપાસ કોઈ સલામતીનું ઠેકાણું નથી, ને આંહીંથી ફુંગી પાછા ફરેલ છે એ વાત જાણ્યા પછી કોઈ નજીક પણ નહીં આવે. તેમ છતાં મરવાનું હશે તો સહુ ભેળાં હશું."

"પણ અલીને એકલાને..."

"ના, હું એકલો તો ડગલું પણ નથી દેવાનો. મારે હવે એકલા જીવીને શું કરવું છે ?" અલી બોલી ઊઠ્યો.

પછી તો શિવની પત્નીએ રાંધ્યું ને સૌ જમી ઊઠ્યાં. રતુભાઈએ શિવને ગુજરાતીમાં પૂછ્યું: "એલા, આ માંઉ અને તારી પત્ની વચ્ચે કાંઈક ઇતિહાસ લાગે છે?"

"હા, એ પણ એને મને કહેલું. કોઈ વાતે એણે મને અંધારામાં રાખ્યો નથી. રંગૂનમાં બેઉ ભણતાં હતાં. માંઉ કૉલેજમાં હતો ને આ હાઈસ્કૂલમાં સાતમી ભણતી હતી. માંઉ વળી ગયો ઉદ્દામ વિચાર તરફ; માંઉ કહે કે તારે નૃત્ય કરવું નહીં. આ કહે નૃત્ય તો મારા