પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


નીકળી. એમણે એ પુસ્તક વખાણ્યું. એમાં વર્ણવી છે તેથી પણ વિશેષ મુશ્કેલીઓ એમને વેઠવી પડેલી એમ પણ એમણે કહ્યું. છેવટમાં એમણે એમ કહ્યું કે, આપણા દેશના ભાઈઓ બરમાઓને છેતરતા-લૂંટતા વગેરે જે ઉલ્લેખ થયો તે ઠીક નથી થયું. વાત સાચી હોવા છતાં, આપણા જ એક પ્રતિષ્ઠિત લેખક એ લખે છે એટલે સરકાર આજ સુધી જે વિધાન કરતી આવી છે તેને સમર્થન મળે છે. આથી આપણને નુક્સાન છે વગેરે. ભાષા આ જ ન હતી, આવા અર્થની હતી.

પરંતુ લખનાર સ્નેહીએ મને આથી આ પુસ્તકલેખન પાછળનું મારું દૃષ્ટિબિંદુ રજૂ કરવાની, તેમ જ એક કલાકારનો એકંદર સ્વધર્મ જનતા આગળ મૂકવાની તક પૂરી પાડી છે. કોઈ પણ કલાકારનો ધર્મ જેમને પોતે આલેખી રહેલ છે તે લોકોને માટે સરકાર શું ધારી લેશે - અને એમ ધાર્યા પછી એ લોકોને આર્થિક, રાજકારણી શી શી હાનિ પહોંચાડશે - એનો વિચાર કરવાનો કદાપિ હોઈ શકે નહીં. હિંદી તરીકે હિંદીવાનોની કે ગુજરાતી લેખે ગુજરાતીઓની સાચી ને ભયંકર એબો રાજદ્વારી કારણસર ઢાંકી છુપાવી રાખવાને કોઈ પણ કલાકારને કહેવું અથવા તેની પાસેથી એવી આશા સેવવી, એ - વધુ આકરી ભાષા તો નહીં વાપરું - સાહિત્ય અને કલાનાં કર્તવ્યો વિશેની ગેરસમજ સૂચવે છે, એ વાત બર્માવાસી હિંદવાન ભાઈઓને મારે કહેવી જોઈએ.

એથી ઊલટી દિશામાં જોઈએ તો, પારકી કે પોતાની, કોઈ પણ પ્રજાની એકલી નબળી બાજુઓને જ આલેખનાર સાહિત્યકાર બેશક પોતાનું કલુષિત માનસ દાખવે છે અને કલા નાપાક કરતો હોય છે. સાચી હોય તે છતાંયે નિજની કે પરની, હેતુપૂર્વક નરી બદબોઈ કરવાનો કસબ કલાદેવીને દ્વારે મંજૂર નથી; પછી ભલે એ કસબ ચાહે તેટલો મનમોહક અને ચોટદાર હોય.

'પ્રભુ પધાર્યા'ની કથા લખવા બેસતી વેળા મારી નજર સામે બ્રહ્મદેશની ઠગી, લૂંટી કે શોષી આવેલા ગુજરાતીઓ ચડ્યા નહોતા; એમને ઉઘાડા પાડવાની દૂર દૂરનીયે ઈચ્છા નહોતી; તેમ નહોતું મારી