પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ગુજરાતમાં બર્મી પોશાક કાયદો કરીને દાખલ કરાવો. બાકી કોઈ દી કાઠિયાણી કે મેરાણી જોઈ છે? પણ મડદાં ચીરે તેને દોષો કાઢવા વિના શું સૂઝે!"

હેમકુંવર બહેને આગળ ચાલતાં ચાલતાં પોતાનું શરીર ડોલાવીને પાછળ મરોડ્યું, એટલે દાક્તર સાહેબે કબૂલ કર્યું : "છે - ખરેખર, ગુજરાતણોમાં શણગારની કળા છે."

"પરાયા દેશોનાં દૂષણ જોનારી પરગજુ આંખો અને પરાયાં ભૂષણોમાં જ અંજાઈ જનારી આંખો, બેઉ આંખો ત્રાંસી છે."

"એ ત્રાંસનું નસ્તર તમે અચ્છે તરહથી કર્યું, મારાં સર્જન!"

"નસ્તર થયું હોય તો હવે બેઉને સીધી નજરે જ જુઓ અને માણો, મારા દાક્તર-દરદી!"

"દાક્તર તો બીજાનો. તારો તો સદૈવનો દરદી."

નીમ્યાનો પિતા ઊભો ઊભો એક નવો પાયો ખોદાવી તેનું પુરાણ જોતો હતો. તેમણે પણ ત્રણેને 'ચ્વાબા' કહ્યું. ઉપકારભરી દૃષ્ટિએ એ દાક્તર તરફ નીરખી રહ્યો. એવામાં એકાએક એણે પાયામાં માછલું તરફડતું જોયું, અને એના મોંમાંથી અરેરાટી નીકલી ગઈ. મજૂરે પીપમાંથી ડબલું ભરીને પાયામાં જે પાણી નાખ્યું તેમાંથી જીવતું માછલું પાયામાં પડ્યું હતું.

ઘડીનો પણ વિલંબ કર્યા વગર એણે પોતાના માથા પર લપેટેલો રેશમી ઘાંઉબાંઉ ઉતારીને તરફડી રહેલ માછલાંને જતનભેર એ ઘાંઉબાંઉમાં લીધું, ને પછી પોતે છેક નદી સુધી એને નાખવા ગયો. પત્નીને કહેતો ગયો કે પરોણાને અંદર બેસારજે.

દાક્તર તો દિંગ જ બની ગયા.

"એ ઘાંઉબાંઉ ચાર-પાંચ રૂપિયાનું હશે, હો હાથણી," ડૉ નૌતમે કહ્યું, "માંસમચ્છીના આહારી છતાં આ લોકો..."

નીમ્યાની માતા આ ગુજરાતીમાં ચાલતી વાતોને પોતાના કુતૂહલથી અપમાન્યા વગર જ અંદર જઈ પાનનો દાબડો લઈ આવી, અને