પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હૈયા સમાણા હાથે એ દાબડો (આપણે બે હાથમાં કોઈ શુભ પ્રસંગે શ્રીફળ ધારણ કરીએ તેવી ધાર્મિક અદાથી) ઉપાડી લાવીને, દોઢ્યે ડગલાં ભરતી હળવે હળવે સન્મુખ આવી, નજીક પહોંચી, ઘૂંટણભર બનીને, અને પોતાના પગની પાની પણ ન દેખાય તેવી કાળજીથી પગ પાછળ રાખી દાબડો બાજઠ ઉપર ધરી આપ્યો અને શિર ઝુકાવ્યું. માથાનો સઢો નીચે નમતાં એની કેશગૂંથણી દેખાઈ.

"લે જો, તારી કાઠિયાણી કે મેરાણી એની જીમી પહેરીને આમ ઘૂંટણભર બેસી શકશે?" ડૉક્ટરે ફરી પાછી બર્મી છટાને આગળ કરી. "કેટલી સુગંધ આવે છે!"

"એ એના શરીરની છે." હેમકુંવરબહેને જાણ કરી. "શરીરે આ પ્રત્યેક બ્રહ્મી સ્ત્રી ચંદનનો લેપ કરે છે."

દાક્તરે સોનાંકાકીને પૂછ્યું: "પેલી દુત્તી ક્યાં?"

"કોણ મા-નીમ્યા!" ઢો-સ્વે એ ઠંડે કલેજે કહ્યું: "એ તો તમને લઈને નાસી જવાની હતી ને!"

ડૉક્ટર-દંપતી તો આભાં જ બની ગયાં. એમના મોં પરથી લોહી ઊડી ગયું, ઢો-સ્વે સમજી ગઈ. એ હોઠને સહેજ સ્મિતમાં પલાળીને બોલી: "ગભરાયા! કુંવારી છોકરીઓની મશ્કરી અમે કરી શકીએ, કાલથી આપણે કોઈ નીમ્યાની ઠેકડી નહીં કરી શકીએ. આજે સાંજે એના ત્રણ દિવસ પૂરા થાય છે. અમે એનું ગુપ્ત સ્થાન પકડી શક્યાં નથી."

"એ વળી શું!"

પછી માતાએ સ્પષ્ટીકરણ કર્યું: "નીમ્યા અમારી ઇચ્છા મુજબ પરણવા નહોતી માગતી, પોતાના કોઈક પ્રેમિકની સંગાથે ચાલી ગઈ છે. ત્રણ દિવસ એ પ્રેમિક પોતાના સગાસંબંધી મિત્રને ઘેર સંતાડી રાખશે. અમે શોધ કરી; એ પકડાઈ ગયાં હોત તો લગ્ન ફોક થાત, પણ ન પકડાયાં એટલે હવે એ લગ્ન અમે માબાપ મંજૂર રાખશું. આજે સાંજે તો બેઉ આવવાં જોઈએ." માતાએ ખાતરી આપી.