"ગઇ છે કોની સાથે?"
"આવે એટલે જાણીએ."
પુત્રીના આવા આચાર વિશે પેટમાં પાણી પણ ન હલતું હોય એવી જનેતાને જોઈ હેમકુંવર બહેનને વિચિત્રતા લાગી. એણે પૂછ્યું:
"મારે ઘેર મેં સંતાડ્યા હોત તો તમે રોષ ન કરત?"
"ના રે, રોષ શાનો? આ પ્રકારનું લગ્ન એ તો અમારી સન્માનિત પરંપરા છે. માત્ર એટલું જ કે તમારે ઘેર એ બેઉ અમારાથી પકડાઈ ગયાં હોત તો લગ્ન ફોક થાત."
"પણ નાસી શીદ જાય? સંતાય શા માટે? તમે ગોતવા કાં જાવ?"
"એને અમારી પસંદગી મુજબ શાદી ન કરવી હોય એટલે નાસે."
"તો તો પછી એ પાછાં આવશે ત્યારે-"
"ત્યારે અમે આશીર્વાદ જ દેવાના."
"સંબંધ રાખવાનો?"
"શા સારુ નહીં?"
"પણ જમાઈ તમને અણગમતો હોય તોપણ?"
"પછી તો ગમતા-અણગમતાનો પ્રશ્નજ નહીં. જે હોય તે સોના સરીખો."
"નદીએ માછલું નાખી આવીને નીમ્યાનો પિતા પાછો આવ્યો ત્યારે રેશમી ઘાંઉબાંઉ બગડ્યાના કશા જ અફસોસ વગર નવું રેશમ માથે લપેટીને એ બેઠો. પછી દાક્તરે એને પૂછ્યું : "તમે જીવ ખાનારાં છતાં આવી જીવદયા કેમ?"
"અમે ખાઈએ ખરા, પણ જાતે ઊઠીને સંહારતા નથી. જાળ નાખનારા અમે નથી. અમારાથી મરતા જીવનો ત્રાસ જોવાય નહીં."
ગૃહિણી થાળમાં ફળમેવા લઈ આવી, ફરી વાર એ જ વિનયછટાથી પગલાં ભર્યાં, ફરી ઘૂંટણભર ઝૂકી અને થાળ મૂક્યો.
પરોણા આરોગવાનો આદર કરતાં હતાં ત્યાં જ ધારણા મુજબ બે જણાંએ ફળિયાનું ફાટક ખોલ્યું. ગૃહિણીએ પૂર્ણ સ્વસ્થતાથી કહ્યું: