પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"મા-નીમ્યા આવી." બેઉ બહાર ગયાં. માબાપે બેઉએ સાથેના જુવાનને જોયો. એ બ્રહ્મી યુવાન હતો, ઝેરબાદી કે હિંદી નહોતો. બેઉનાં હયાં ઠર્યા. યુગલે ઉપર આવીને વડીલો સન્મુખ ઘૂંટણભર નમન કર્યું. વડીલોએ શાંત આશીર્વાદ આપ્યા. પિતાનું મન ઉદ્વેગિત બન્યું તે દેખાઈ આવતું હતું. પણ માતાનો મનસંયમ જરીકે ચળ્યો નહીં. બ્રહ્મી નર અને નારી બેઉ વચ્ચેનો આ પ્રકૃતિ-શીખવ્યો સંસ્કારભેદ છે.

"અંદર તો જા - જો, કોણ આવ્યું છે ?" માએ નીમ્યાને કહ્યું.

ત્યાં તો નીમ્યાએ બાબલાનો અવાજ સાંભળ્યો. એ અંદર દોડી જઈને બાબલાને ભેટી પડી. "પાંચ દિવસથી તને દીઠો જ નથી, લુચ્ચા ! તારી બાએ મને ના કહી એટલે જ તો ! નહીંતર સતત તારી જ પાસે રહી હોત." એમ કહેતી એ હેમકુંવરબહેન તરફ ફરીને દાઢવા લાગી : "કાં, તમે અમને સંઘરવા ના પાડી તો શું અમે રઝળી પડ્યાં ? પૂછો માને, ત્રણ દિવસથી પરેશાન થતી થતી અમને ગોતતી હતી, તોપણ હું પકડાઈ ?"

"ઓ રે ઘેલી !" હેમકુંવરબહેને કહ્યું, "તમે તમારો ચાલ પૂરેપૂરો સમજાવ્યો હોત તો હું કદી ના કહેત જ નહીં. એ તો ઠીક, પણ તું લાવી છે કોને ? કોઈક લાગે છે માલદાર !"

"કેમ જાણ્યું ?"

"જોને તારા આખા શરીરને મઢ્યું છે. આ શ્વે (સોનું), આ નુર્વે (ચાંદી), આ સેંઈ (હીરા)માં તો લેટી રહી છે !"

"હા હા, બધું એનું જ હશે, એમ ને ?"

"ત્યારે કોનું ? માનું ?"

"બિલકુલ નહીં."

"ત્યારે ?"

"કહું ? -" જઈને કાનમાં બોલી : "એક વેપારીનું છે. જોવા લઈ જવાનું કહી ઉઠાવી લાવી છું."

"તો હવે ?"