પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હવે શું? જઈને પાછું આપી દઈશ. મારું કામ પતી ગયું . મારે તો આને રાજી કરવો હતો."

"પછી એ ન જુએ તો?"

"તો શું કરશે? એની લૂંગી વેચીને મને શણગારે તો છે!"

"કેમ, કાંઈ નુવેઝા મોઈઝા (રૂપિયા) વાળો નથી?"

"અરે રાતો ટભ્યો(પૈસો) પણ પાસે નથી."

"એવાને કેમ પસંદ કર્યો?"

"બર્મી છોકરીને એ પ્રશ્ન જ ન પૂછાય. માએ તો પસંદ કરેલો સોનારૂપા અને હીરાવાળો. મને ગમ્યો મજૂર. રાણીને ગમે તે રાજા."

"પણ મા તને વારસામાંથી ગડગડિયું પકડાવશે તો પૈસા ક્યાંથી કાઢીશ?"

"પૈસા ફ્યા પેમરે - પૈસા તો પ્રભુ દેશે. પૈસા પૈસા શું કરો છો? બાકી તો મેં એને પસંદ કર્યો છે. હું એના કપડાં સાંધીશ."

વાક્યે વાક્યે નીમ્યા હીરે ને હેમે લળકતી હતી. વાક્યે વાક્યે એનું હાસ્ય રેલાતું હતું, એની એંજીની પહોળી બાંયો ઝૂલતી હતી. પોતે પોતાની પસાંદગીનાને - ભલે મજૂરને - પરણી શકી હતી તેનો નશો એના નયનોમાં ઘોળાતો હતો. બહાર માબાપ પાસે એનો પતિ બેઠો હતો અને પ્રશ્નોના જવાબમાં પોતાની પિછાન દેતો હતો. સામાન્ય મજૂર જેવો હતો. માબાપ બેઉ હતાં. થોડી જમીનનાં ધણી હતાં. ઢો-સ્વેએ કે એના પતિએ જમાઈની ગરીબીની આ આખી વાત સાંભળ્યા પછી પણ છોકરીએ ગાંડપણ કર્યું એવો અથવા તો છોકરા પ્રત્યે કોઈ ટોણામહેણાનો શબ્દ ઉચ્ચાર્યો નહીં.

જમાઈ ભણી ફરીને ઘરધણીએ કહ્યું : "હવે તો અહીં રહીને મારી જમીનનો ભાર ઉપાડી લે, બાપુ, હું થાક્યો છું."

"નહીં." સાસુએ શાંતિથી કહ્યું: "તમે વળી શું કરીને ઢગલો વળી જાવ છો? એનાં માબાપ એકલાં જ છે, ગરીબ અને અશક્ત છે. આંહીંનું તો હું હજુ સંભાળનારી બાર વરસની બેઠી છું. નીમ્યા અને