પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છોડ પોચી પોચી પાણી ભરપૂર જમીનમાંથી ખેંચી કાઢ્યા, જળ ઉપર થપ્પીઓ તરતી મૂકી. પછી પાળો ખોલી નાખી ખેતરને ખાલી કર્યું, ને પાછી એ જ જમીનમાં અકેક રોપ કરી કરી રોપી આપ્યો.

કાઠિયાવાડમાં કહેવત છે કે, 'પાંદડા લીલાં દેખીને પનો પાંચ વાર પરણ્યો.' મતલબ એ છે કે પોતાના ખેતરના કપાસનાં પાંદડાં જ્યાં સુધી લીલાં જુએ ત્યાં સુધી નવો નવો કાલાંનો પાક લેતો લેતો ખેડૂત નાણાં ખરચીને પાંચ વાર લગ્ન કરતો રહે. એ રીતે બ્રહ્મી ભૂમિપુત્ર નીમ્યાના વરે પોતાના બાપના ખેતરમાં હરિયાળી ઘાટી ડાંગર દેખીને શું કર્યું?

એનું નામ હતું માંઉ-પૂ. એ એક ચાવલ-મિલમાં નોકરી કરતો. મહિને વીસેક રૂપિયા મળતા. પરણ્યા પછીના પહેલા મહિનાના વીસમાંથી એણે પહેલે જ તડાકે રેશમી લૂંગી ખરીદી, બીજે મહિને સરસ હાફકોટ લીધો, ત્રીજે મહિને એક ઘડિયાળ ખરીદ્યું, ચોથે મહીને એક મોટા ફુંગી ધર્મગુરુ ગુજરી ગયા હતા તેના ઉત્સવનું આખરી અઠવાડિયું હતું. આખા ગામને અને આસપાસની ગ્રામ્ય પ્રજાને, લાખો માણસોને ઉત્સવ સાંપડ્યો. બ્રહ્મદેશમાં જન્મોત્સવ કે લગ્નોત્સવ નથી, પણ એ બંનેનું વટક વાળી દે તેવો મરણોત્સવ છે.

ફુંગીના મૃતદેહને મસાલા લીંપી, સુગંધી દ્રવ્યો છાંટી, નક્શીદાર સુખડની પેટીમાં ત્રણેક માસથી મુકવામાં આવ્યો હતો અને હવે એનાં શેષ સંસ્કાર ટાણે પ્રત્યેક ફ્યામાં, એકેએક ચાંઉમાં, ઘરેઘરમાં નાટારંભ, જલસા, મહેફિલો અને જુગારની રમઝટ બોલી. નૃત્ય બ્રહ્મીને ઘેલી કરે છે; હજારો બ્રહ્મી સ્ત્રીઓએ પોમેડ, પાઉડર અને પફની દુકાનો પર ગિરદી મચાવી; હજારો લુંગી અને ઘાંઉબાંઉવાળા રેશમના વેપારીઓ રળવા લાગ્યા. ચાલતી નોકરીને ઠોકર લગાવીને ઉત્સવમાં સામિલ થનારાઓમાં માંઉ-પૂ પણ હતો. કાગળનાં ફૂલો બનાવીને વેચવા બેસતી નીમ્યા પણ બીજી હજારો સ્ત્રીઓ સાથે અદૃશ્ય બની, અને નીમ્યાના સસરાએ એક મદ્રાસી ચેટ્ટીની પેઢી પર જઈને ડાંગરનું પાકેલું ખેતર ગીરો મૂકી નાણાં ઉપાડ્યાં. મદ્રાસથી આવીને ધીરધારનો ધીકતો ધંધો