પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'ટીકલ' એટલે લગભગ દોઢ તોલાનું વજન થાય. માંઉ-પૂ વીંટી ખરીદી ગયેલ ત્યારે તોલે જોખેલ, હવે પાછી લેતી વખતે ટીકલે જોખવાનું હતું.

"એને ખબર આપતો લાગે છે!" મહેતાજીએ ટોણો માર્યો. "કંઈ કમિશન ઠરાવ્યું છે?"

માંઉ-પૂ તો કશી સમજણ વગર ચૂપ ઊભેલો. એને તોલાની ગતાગમ નહોતી. એ તો પૈસા પાછા મળવાની રાહ જોતો હતો.

જુવાને તોલાના વજન પ્રમાણે જોખી આંકડો કરવા મહેતાજીને કહ્યું. એણે ખોટું લખ્યું અને મૂળ વેચતી વેળા જે વીંટીની ઘડાઈ મૂકેલી તે ન મૂકી. માંઉ-પૂ તો જે ઓછા પૈસા મળ્યા તે લઈ રાજી થતો થતો ચાલ્યો ગયો. એને તો નવું ઘાંઉબાંઉ ખરીદવું હતું. હાથમાં રોકડા પૈસા આવ્યા તેને એણે નવી કમાણી સમજી લીધી.

આમ શાંતિદાસ શેઠની દુકાને બે પ્રકારનો તોલ રહેતો. વેચતી વખતે હળવો તોલ, ને પાછું ખરીદતી વખતે ભારે તોલ. ચણોઠીઓની પણ બે જાત હતી : એક વજનદાર અને બીજી હળવી ફોફાં. બાળક જેવા બ્રહ્મી લોકો તો હિંદીઓને 'ફયા લારે : પ્રભુ પધાર્યા' સમજતા. ઉપરાંત છેતરાવું એ શું તેની તેમને ખબર નહોતી. તેઓ સુખી હતા.

જુવાનનો બબડાટ શરૂ થયો. એ બબડાટે આખી દુકાનનું વાતાવરણ ડહોળ્યું. રીઢા મહેતાજીને તો આ છોકરાની સફાઈ અસહ્ય થઈ પડી. એણે જઈ શાંતિદાસ શેઠને કહ્યું. શાંતિદાસે જુવાનને ઑફિસમાં બોલાવ્યો અને કહ્યું :"તમારે દુકાનમાં બીજાં માણસોને બગાડી મૂકવાં ન જોઈએ."

"પણ આવો દગો..."

"દગો દગો કરવાની જરૂર નથી. અહીંની તો રસમ જ એ છે. બે હજાર માઈલ કાળે પાણીએ આવ્યા છીએ તે જખ મારવા નથી આવ્યા."

"તો શેઠજી, આ રીતે મારાથી નોકરી નહીં થઈ શકે."